ભુજ, તા. 24 : ભુજ-મુંદરા રોડ, લંકીવાળા યક્ષ મંદિર સામે આવેલ કલાપૂર્ણસૂરિ
કરુણાધામ પશુ હોસ્પિટલ ખાતે સ્વાતંત્ર્ય દિન, કચ્છમિત્રના 80મા જન્મદિવસના ઉપલક્ષમાં 80 છોડનું રોપણ અને હોસ્પિટલની
વર્ષગાંઠના ત્રિવેણી સંગમ સમા પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદન
બાદ કચ્છમિત્રના મેનેજર મુકેશભાઈ ધોળકિયા, મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડ્યાને સુપાર્શ્વ જૈન સેવા મંડળ- ભુજના પ્રમુખ કૌશલભાઈ
મહેતા તથા ટ્રસ્ટીઓ દ્વારા હોસ્પિટલનાં વિવિધ વિભાગોમાં થતી અબોલ જીવોની સેવાથી વાકેફ કરાયા હતા. શ્રી મહેતાએ જણાવ્યું કે,
બીમાર, અશક્ત, અકસ્માતગ્રસ્ત,
માલિક દ્વારા તરછોડાયેલા બિનવારસુ અબોલ જીવોની ચિંતા સેવી માનવ સારવાર
સરીખી અત્યાધુનિક સાધનો અને મેડિકલ ટીમથી સુસજ્જ પશુ હોસ્પિટલનો વિચાર સાકાર કરવા ભુજના
સુપાર્શ્વ જૈન સેવા મંડળએ પરિશ્રમ કર્યો અને દેશની સર્વપ્રથમ અલ્ટ્રા મોડર્ન સુવિધાઓથી
સુસજ્જ પશુ હોસ્પિટલ ભુજ-મુંદરા રોડ પર નિર્માણ પામી. 14મી ઓગસ્ટ, 2013નાં તત્કાલીન
મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન
કરાયું. હોસ્પિટલની ઝીણવટભરેલી વ્યવસ્થા નિહાળી તેઓએ પશુચિકિત્સા માટે આ હોસ્પિટલને
રોલમોડેલ લેખાવી. કચ્છભરમાં અબોલ જીવોની તમામ પ્રકારની સારવાર અને શસ્ત્રક્રિયા માટે
365 દિવસ, 24 કલાક ઇમર્જન્સી
સારવાર આપનાર આ હોસ્પિટલની 13મી વર્ષગાંઠ
ઊજવવાઇ રહી છે. મંડળ અને હોસ્પિટલની ટીમ દ્વારા સ્થળ સારવાર, રસીકરણ કેમ્પો, સારવાર
કેમ્પો, કુદરતી કે માનવસર્જિત આપાતકાલીન પરિસ્થિતિમાં રેસ્ક્યૂ
સેવા, કચ્છભરના જંગલખાતા કચેરીઓ સંલગ્ન સારવાર, વેટરનરી અભ્યાસ હેતુ પ્રાયોગિક અભ્યાસ અને ઇન્ટર્નશિપ વિ.નું યોગદાન કચ્છભરમાં
જીવદયા ક્ષેત્રે માઈલસ્ટોન ગણાય છે. હાલમાં હોસ્પિટલમાં બિનવારસુ અંદાજે 1200 જેટલા જીવો આશરો લઇ રહ્યા છે.
તાજેતરમાં જ કચ્છમિત્રના 80મા જન્મદિવસને
અનુલક્ષીને હોસ્પિટલની વર્ષગાંઠ નિમિત્તે ઉપસ્થિત મહેમાનોના હસ્તે અર્જુન, કપૂર, ગૂગળ, નાગોળ, કરંજ, ખાખરો, બિજોરા, ચકોતરા, સીતાફળ,
ફળોના રોપાઓ વાવવામાં આવેલા હતા તેમજ ગૌવંશોને ખોળ, ગોળ, ભૂસાંના લાડુનું વિશિષ્ટ નીરણ કરાવાયું હતું. ઉપરાંત
એક ગાડી ભરીને ચારો પણ અપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમિત્રના
75મા જન્મદિવસની ઉજવણી સમયે પણ સંકુલમાં છોડનું વાવેતર કરાયું હતું, જે આજે વિશાળ વૃક્ષો બની હજારો પંખીઓનો આશરો
બની ગયા છે. આ પ્રસંગે કચ્છમિત્રના કૌશલભાઇ પાંધી, તેજભાઈ છાયા,
સૌરભભાઈ ગાંધી, મંડળના ઉપપ્રમુખ રાજેશભાઈ પારેખ,
મંત્રી સમીરભાઈ શાહ, ટ્રસ્ટી હેમલભાઈ દોશી ઉપસ્થિત
રહ્યા હતા. હોસ્પિટલનાં મેનેજર પ્રકાશભાઈ ઢીલા, એકતા પાંધીએ વ્યવસ્થા
સહિતની જહેમત ઉઠાવી હતી.
હોસ્પિટલમાં થયેલી સારવાર,
રસીકરણ
આ હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 51212 વિવિધ પ્રકારના અબોલ જીવોની
સારવાર કરવામાં આવી છે. જેમાંના 24432 જીવોને હોસ્પિટલમાં
દાખલ કરાયા હતા. 14457 શસ્ત્રક્રિયા
કરાઇ છે. જેમાં શિંગડાના કેન્સર, સિઝેરીયન,
ગર્ભાશય, ઘૂંટણ લિગામેન્ટ્સ, અન્નનળી વિ.ના ઓપરેશન કરાયા હતા. તદુપરાંત 28815 જેટલી ખરવા -મોવાસા, રેબિઝ, ગળાફૂલો વિ.નું રસીકરણ કરાયું છે.