• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ભુજમાં 306 વર્ષથી રાજશાહી પરંપરા મુજબ પીર વીર લધાશાનો ઉર્સ ઊજવાયો

ભુજ, તા. 24 : ભુજ શહેરના પાટવાડી નાકા પાસેથી ગઢ `આલમ પન્નાહ'ના આગળ-પાછળ આવેલી ઐતિહાસિક જગ્યા પીર વીર શેખ લધાશા વલ્લીહનો 306 વર્ષનો ઉર્સ-મેળો રાજાશાહીની પરંપરા મુજબ ઊજવાયો હતો. `આલમ પન્નાહ' ગઢને કાયમ રાખવા સંવત 1776, શ્રાવણ સુદ આઠમના મહારાવ દેશલજી બાવા, રાજપરિવાર સભ્યો, કચ્છના દરેક ધર્મસ્થળના ધર્મગુરુઓ, લશ્કર તથા પોલીસ સ્ટાફ અને સરકારી સર્વે કચેરીઓના અધિકારીઓ વગેરેની હાજરીમાં 306 વર્ષ પહેલાં આપેલાં બલિદાન, શહાદત, શહીદીને યાદ કરી પીર લધાશાનો ઋણ-આભાર વ્યક્ત કરવા દર વર્ષે મેળો યોજાય છે. તા. 20મી ઓગસ્ટ, શ્રાવણ સુદ-આઠમના સવારે 10 વાગ્યે મુંજાવર પરિવાર તેમના ભાઈ પીર તમાચીશા, પીર બુઢ્ઢાશા, પીર બાભણીયાશા, સુમરાસરના સૈયદ પીરદાદા - પઠ્ઠાપીર દાદા, અભુડા પીર દાદા વગેરે ભાયાત પીરોના સર્વે મુંજાવરો તેમના વંશ - વારસો વગેરે સાથે પીરની ગુસલવિધિ પૂરી કરાઈ હતી. કચ્છ રાજવી પરિવારના સભ્યોએ પીરની સરમુબારકની જગ્યાએ પીરની દરગાહ શરીફની જગ્યાએ સૌ સાથે મળી `ચાદર પોશી'ની વિધિ સંપન્ન કરી હતી. મૌલાના સલીમ ચાકી, મૌલાના અલીમામદ, રાજપરિવારના દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી જાડેજા, કુંવર ઈન્દ્રજિતસિંહજી જાડેજા, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી જાડેજા વગેરે, મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ ઈબ્રાહીમભાઈ હાલેપોત્રા, ગાંધીનગર વકફ બોર્ડના આમદભાઈ જત સહિતના અગ્રણી જોડાયા હતા. પીરના મુખ્ય મુંજાવર શેખ અનવર ખાને નાના ભાઈ નિવૃત્ત શિક્ષક શેખ અઝીઝ ખાનને સહમુંજાવર જાહેર કરી રાજપરિવારના સૌ સભ્યો સાથે સુમરાસરના સૌ જમાતીઓની સર્વ સંમતિથી મુંજાવરીનો લેખિત એવોર્ડ આપ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળાના હસ્તકલાના રમજુભાઈ કુંભારે કુંવર ઈન્દ્રજિતસિંહજીને પણ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

Panchang

dd