• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

કચ્છી દાનવીર સુંદરજીભાઇનાં નિધનથી શોક

ભુજ, તા. 24 : કચ્છ અને મુંબઇમાં અનેક સેવા પ્રવૃત્તિઓ જેવી કે, જીવદયા, માનવતા વગેરેનાં અનેક કાર્યોમાં જોડાઇ ચૂકેલા અબડાસાના મૂળ સણોસરા ગામના દાનવીર સુંદરજીભાઇ શાહનું અવસાન થતાં શોકની લાગી ફેલાઇ છે. કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે મોટું નામ ધરાવતી વીરાયતનના ચેરમેન, માનવજ્યોત મુંબઇના અધ્યક્ષપદે કાર્યરત એવા સદ્ગત સુંદરજીભાઇનું દાતા તરીકે મોટું નામ છે. ભુજમાં સુપાર્શ્વનાથ જેવી સંસ્થામાં પણ તેમનું દાન હતું, એવી જ રીતે વીરાયન ઉપરાંત અબડાસાના અનેક નાના-મોટા ગામોમાં તેમણે હાથ લંબાવ્યો હતો. નારાયણ સરોવર ખાતે નિર્માણ પામેલા અતિથિ ગૃહને પણ તેમણે આર્થિક યોગદાન આપ્યું હતું. મોથાળા ખાતે નિર્માણ પામતી અંગ્રેજી શાળામાં પણ યોગદાન આપ્યું છે. માંડવીમાં જનકલ્યાણ કેન્સર સેન્ટરને દાન આપી ચૂકયા છે. એક સમય એવો હતો કે સુંદરજીભાઇએ એક જ વર્ષમાં તેમના ભાઇને સાથે રાખી રૂા. 100 કરોડનું દાન કચ્છમાં આપીને વિક્રમ નોંધાવ્યો હતો. 1985-87ના ગાળામાં સણોસરા ખાતે મોટો ઢોરવાડો શરૂ કરી 7 હજાર પશુઓને આશ્રય આપ્યો હતો. સરકારની કોઇ સબસિડી તે વખતે લીધા વિના ગૌવંશની સેવા કરીને એ સમયમાં તેમણે ગાયો પાછળ રૂા. 66 લાખ વાપર્યા હતા. આવા તો અનેક છૂપાં દાન તેમણે આપ્યાં છે. પોતાનાં ગામ સણોસરામાં ગામની પાણી યોજના હોય કે ઘરવિહોણા જૈન સમાજના 32 પરિવારને આવાસ બનાવી આપવા મોટાં બિલ્ડિંગનું કામ અત્યારે પણ ચાલુ છે, એક મોટા દાનવીરની વિદાયથી કચ્છને મોટી ખોટ પડી છે અને બુધવારે મુંબઇમાં સદ્ગતની પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગને લેઝર ગનની જરૂરત થતાં તેમણે તુરત બે લેઝર ગન ખરીદી આપી હતી. કચ્છમિત્રએ એક સમયે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અપીલ કરતાં સુંદરજીભાઇએ તુરંત પોતાનું યોગદાન આપવા જાહેરાત કરી હતી.

Panchang

dd