ભુજ, તા. 24 : કચ્છના પ્રાણપ્રશ્નો માટે કોંગ્રેસ
પક્ષ મક્કમતાથી લડી સક્રિય વિપક્ષની ભૂમિકા નિભાવશે તેવું ભુજ ખાતે આયોજિત પત્રકાર
પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. કચ્છની બે દિવસીય મુલાકાત
અંતર્ગત પત્રકારો સાથે સંવાદ કરતાં પ્રદેશ અધ્યક્ષ શ્રી ચાવડાએ કહ્યું કે, કચ્છમાં શિક્ષણ, આરોગ્ય,
કાયદો વ્યવસ્થા, ખનિજમાફિયા, મોંઘવારી, ગૌચર, નર્મદાનાં પાણી
સહિતના અનેક પ્રાણપ્રશ્નો છે, જેનો આજદિન સુધી ઉકેલ આવ્યો નથી.
કચ્છને સ્પર્શતા આ તમામ પ્રશ્નોને સડકથી સંસદ સુધી લઈ જઈ સરહદી જિલ્લાના લોકોને તેમનો
હક્ક મળે એ માટે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં જનઆંદોલન કરી સત્તાપક્ષ સામે મોરચો માંડશે.
અમિતભાઈએ કહ્યું કે, કચ્છમાં અમને ગત વિધાનસભા ચૂંટણીમાં એકપણ
બેઠક મળી નહોતી. આ વખતે કચ્છ - ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી
વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સત્તાપક્ષ માટે ચોંકાવનારા હશે તેવું વિશ્વાસ સાથે કહ્યું
હતું. કચ્છની છ વિધાનસભા અને તેમાં સમાવિષ્ટ 1860થી વધુ બૂથમાં જઈ કોંગ્રેસ
પક્ષ કચ્છીમાડુનો અવાજ બનશે અને આ વખતે પ્રજાજનો પણ કોંગેસ પક્ષ સાથે જોડાઈ પોતાના
હક્કની લડાઈ લડશે તેવો આશાવાદે શ્રી ચાવડાએ વ્યક્ત કર્યો હતો. દેશભરમાં જેન-ઝી લડત
થકી નવી ક્રાંતિનાં મંડાણ થયા છે. કચ્છમાં એનએસયુઆઈ આયોજિત કાર્યક્રમ તેનું પ્રતિબિંબ
ઝીલે છે, તેમ જણાવી અમિતભાઈએ કચ્છની પ્રજાની એવી લાગણી
છે કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ જિલ્લાની મુલાકાત લઈ સંસદ સુધી પ્રશ્નો ઉઠાવે,
આ બાબતે પણ સક્રિય પ્રયાસો કરવામાં આવશે. કચ્છમાં ઉદ્યોગોને જમીન લહાણી
કરાય છે, મોટા માથાઓનાં દબાણ હટાવાતા નથી. નાના વર્ગનાં દબાણો
હટાવાય છે, જિલ્લામાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ વકરી રહ્યું છે
એ સહિતના અનેવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ પક્ષની અલગ-અલગ પાંખો લડાયક કાર્યક્રમો આપશે
તેવો ઠરાવ જિલ્લા કારોબારીમાં કરાયાનું પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું. કચ્છ જિલ્લામાંથી
કરોડો નહીં અબજો રૂપિયાની કમાણી કરતી ડબલ એન્જિન સરકાર આ જિલ્લાના પ્રાણપ્રશ્નો ઉકેલવામાં
નીરસ છે તેવો આક્ષેપે પ્રદેશ અધ્યક્ષે કર્યો હતો. કચ્છને વેળાસર અછતગ્રસ્ત જાહેર કરાય
તે માટેની માગણી પણ રાજ્ય સરકારમાં કરાશે. આરંભે જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે કચ્છને
સ્પર્શતા વિવિધ પ્રશ્નોની વાત કરી હતી. પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી,
પ્રભારી યાસીન ગજણ, જિ. પંચાયતમાં વિપક્ષના નેતા
રાજેશ આહીર સહિત ઉપસ્થિત રહ્યા હતા.