• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ફઈ પાસેથી શીખેલી બાંધણીકળા સાત સમંદર પાર પહોંચી

પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા 24 : માત્ર 10 વર્ષની નાની ઉંમરે પોતાની ફઈ પાસેથી આંગળીના ટેરવે દોરો વીંટાળીને ભાત ઉપસાવવી અને તેને રંગવાની ટાઈ અને ડાઈ કળા શીખનાર ભુજના અમીનાબેને વિચાર્યું નહોતું કે તેમને એ જ કળા રાષ્ટ્રીય એવોર્ડ સુધી પહોંચાડશે. લાઇવ પ્રોડક્ટ બનાવીને મેળવેલા રાષ્ટ્રીય એવોર્ડની વર્ષ 1985ની ઘટના બાંધણીકળામાં નોંધનીય બની ગઈ. કહેવાય છે કે, કળા ક્યારેય કોઈ ઓળખની મોહતાજ નથી હોતી અને હુન્નર જો સાચો હોય તો સરહદો અને વિષમ પરિસ્થિતિઓ પણ તેને સલામી આપે છે. કચ્છ અને ગુજરાતની પરંપરાગત બાંધણીકળાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવનાર અમીનાબેન ઈસ્માઈલ ખત્રીની જીવનગાથા આ વાતની સાક્ષી પૂરે છે. અમીનાબેન વય અને ભૂતકાળના એક અકસ્માતને કારણે થોડા માનસિક અસ્વસ્થ બની ગયા અને કારીગરીથી દૂર છે, પરંતુ તેમની આંગળીઓમાંથી જન્મેલી ભાત અને રચેલા રંગો આજે પણ હસ્તકળાના ઇતિહાસમાં ઝળહળી રહ્યા છે. ભારત સરકારના વિકાસ આયુક્ત (હસ્તશિલ્પ) દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ માટે તેમની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ. 1983માં મળેલો રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યા પછી 1985માં રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગીનો પ્રસંગ એ કોઈ વાર્તાથી ઓછો રોમાંચક નથી. દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે વિશાળ હસ્તકળા પ્રદર્શનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા અમીનાબેન પોતાની બાંધણીની કળા સાથે લઈને પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન વિભાગના ઉચ્ચ અધિકારીની નજર અમીનાબેનનાં કામ પર પડી અને તેમણે અમીનાબેનની બનાવેલી બાંધણીની બારીકાઈ પારખી લેતાં તેમને ત્યાં જ રહીને બાંધણીનો લાઈવ પિસ બનાવી આપવા કહેલું. અમીનાબેને સળંગ ત્રણ મહિના સુધી રોકાઈને ગજી સિલ્કના કાપડ પર ટાઈ એન્ડ ડાઈનો ઉત્તમ નમૂનો વિભાગને રજૂ કર્યો અને એ નમૂનો અમીનાબેનના ખંત અને સર્જનાત્મકતાનું પરિણામ રાષ્ટ્રીય એવોર્ડ બનીને આવ્યું. ઝાડ પુતલી, સંગાર ઓઢણી, આંકડા ઓઢણીમાં તૈયાર કરેલો ઝીણો બાંધ અને સુંદર રંગાટકામ અમીનાબેનની ખાસિયત છે. 15મી ઓગસ્ટની ઉજવણી સમયે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને બાંધણીનો રાષ્ટ્રધ્વજ ભેટ આપ્યો હતો અને તેમણે અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં મહિનાઓ સુધી રોકાઈને પ્રદર્શનો યોજ્યાં, કાર્યશાળાઓ કરી અને 1500થી વધુ બહેનોને તાલીમ આપી ભારતીય બાંધણીકળાનું સંવર્ધન કર્યું. વિદેશી જમીન પર ભારતીય કળાનો દબદબો ઊભો કરનાર તેઓ અગ્રણી મહિલા કારીગરોમાંના એક હતા, કારણ કે, પિતા કે દાદા કોઈ આ કામ સાથે જોડાયેલા ન હોવા છતાં એક મહિલા તરીકે તેમણે આ સાહસ આગળ વધાર્યું હતું. અમીનાબેને લગ્ન ન કર્યાં હોવાથી આ કળાનો વારસો પોતાના ભાઈના પરિવારને સોંપી દીધો છે અને ભાઈઓ જ તેમની દેખભાળ કરે છે. આજે અમીનાબેનની કારીગરી શાંત છે, પણ તેમના સમર્પણની કથા મોટેથી બોલી રહી છે.

Panchang

dd