ભુજ, તા. 24 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ
વર્મા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક અને સેતુ અભિયાનના સંયુક્ત ઉપક્રમે
`પંચાયતીરાજ અને ગ્રામીણ વિકાસ' સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ કુલપતિ ડો. મોહનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરાયો
હતો. આ પ્રસંગે ડો. પટેલે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, `ગામડાંને સ્વનિર્ભર બનાવવાથી જ દેશનો વિકાસ
થઈ શકે છે. આજના સમયમાં આ પ્રકારનો કોર્સ ખૂબ જ જરૂરી અને સમયની તાતી જરૂરિયાત છે' વરિષ્ઠ તાલીમકાર સુરેશભાઈ છાંગાએ આ કોર્સને
કચ્છના સુવર્ણ દિવસોની શરૂઆત ગણાવી હતી. પ્રશ્નોનું નિરાકરણ થાય તે દિશામાં આ કોર્સ
ઉપયોગી સાબિત થશે તેમ ઉમેર્યું હતું. ઈકબાલભાઈ ઘાંચીએ જણાવ્યું હતું કે, પંચાયતોની જવાબદારી માત્ર માળખાંગત સુવિધાઓ પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી,
પરંતુ સામાજિક ન્યાય અને સામાજિક વિકાસના ક્ષેત્રે પણ પંચાયતો મહત્ત્વપૂર્ણ
ભૂમિકા ભજવી શકે છે. કાર્યક્રમની શરૂઆતમાં એમ.એસ.ડબલ્યુ. ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ
પ્રોફેસર ડો. ચિરાગ પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. સેતુ અભિયાનના પ્રોગ્રામ મેનેજર
ધવલભાઈ આહીરે કાર્યક્રમના હેતુ અંગે માહિતી આપી હતી. સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષભાઈ
આચાર્યએ કોર્સનો હેતુ, મહત્ત્વ તથા કોર્સની ડિઝાઇન અંગે માહિતી
આપી હતી. સેતુ અભિયાનના ઉપપ્રમુખ જયેશ લાલકા, કચ્છ સુશાસન મંચના
સભ્યો, ખાદી, એસીટી, કચ્છ મહિલા વિકાસ સંગઠન, સાત્ત્વિક વિગેરે સંસ્થાઓ તેમજ
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રતિનિધિઓ, સેતુ અભિયાનનો સ્ટાફ,
પંચાયતીરાજ નિષ્ણાત લતાબેન, કોર્સમાં પ્રવેશ મેળવનાર
તાલીમાર્થીઓ તથા એમ.એસ.ડબલ્યુ.ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ સુશાસન
મંચના પ્રીતિબેન વેકરિયા તથા જખુભાઈ મહેશ્વરી પણ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ખીમજી કાંઠેચાએ
તથા આભારવિધિ ડો. જિજ્ઞેશ તાળાએ કર્યા હતા.