ભુજ, તા. 24 : શહેરમાં નગરપાલિકા દ્વારા આજે
દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. અલબત્ત, આગોતરી જાણને પગલે અનેક ધંધાર્થીઓએ સ્વેચ્છાએ જ લારી-ગલ્લા હટાવી લીધા હોવાથી
સુધરાઇની ટીમ-ધંધાર્થીઓનું ઘર્ષણ ટળ્યું હતું. ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા અપાયેલી
આગોતરી નોટિસો બાદ આજે બસ સ્ટેશન વિસ્તાર, જિલ્લા પંચાયત રોડ
તથા જૂના ભાજપ કાર્યાલય માર્ગે ફૂટપાથ - માર્ગો પર લારી-ગલ્લારૂપી દબાણ હટાવવા કાર્યવાહી
હાથ ધરાઇ હતી. જો કે, મોટાભાગના ધંધાર્થીઓએ દબાણો સ્વૈચ્છિક દૂર
કરતાં ભુજવાસીઓએ લાંબા સમય બાદ ફૂટપાથ ખાલી જોઇ અને માર્ગો પર ટ્રાફિક સમસ્યામાંથી
રાહત અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ
બાદ જિલ્લા કલેક્ટરની સૂચનાને પગલે ભુજમાં ફૂટપાથ - માર્ગો રોકી ઊભેલા લારી - ગલ્લાવાળા
ધંધાર્થીઓને નોટિસ પાઠવી સ્વૈચ્છિક હટી જવા તાકીદ કરાઇ હતી. ત્રણ-ચાર દિવસ પહેલાં પાઠવાયેલી
નોટિસ બાદ આજથી નગરપાલિકાની દબાણ શાખા દ્વારા મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલનાં માર્ગદર્શન
હેઠળ દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત
માર્ગે કાયમી બની ગયેલી ફૂટપાથ બજાર, ઇન્દ્રાબાઇ સ્કૂલ પાસે,
બસ સ્ટેશન માર્ગ સહિતનાં દબાણો હટાવાયાં હતાં. વી.ડી. હાઇસ્કૂલ માર્ગે
ફૂલ બજારના ધંધાર્થીઓ પણ સ્વૈચ્છિક હટી ગયા હતા. જો કે, હોસ્પિટલ
રોડ પર આજે લારીઓ ફરી ગોઠવાઇ હતી, જેથી જાગૃત નાગરિકોએ આશ્ચર્ય
વ્યક્ત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ રોડ પર
તો ફૂટપાથ છે જ નહીં, પણ લારી-ગલ્લા હટી જતાં તે સ્થળે વાહનોની
કતારો ગોઠવાઇ ગઇ હતી. આવતીકાલ તા. 25/8ના વી.ડી. હાઇસ્કૂલ માર્ગ,
ઇન્દ્રાબાઇ પાર્ક વિસ્તારથી જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તાર સુધી દબાણો હટાવવા
કાર્યવાહી હાથ ધરાશે. દબાણ હટાવ કામગીરી જયદીપસિંહ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ સુધરાઇની
ટીમે પાર પાડી હતી અને એક કેબીન, બે લોખંડની પેટી, લોખંડના પાઇપો જપ્ત કર્યા હતા.