• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

નામ ટ્રાન્સફર ન થવાની ગૂંચ ઉકેલાઈ, છતાં પરેશાનીની રાવ

ભુજ, તા.23 : કામગીરીને પારદર્શી બનાવવા માટે તેને ઓનલાઈન કરવાની કવાયત કમસે કમ વાહન સાથે નાતો ધરાવતા લોકોને તો જાણે `માથે' પડી હોય તેવો તાલ સર્જાયો છે. પોતાની માલિકીનું વાહન વેચ્યા બાદ માલિકનું નામ બદલવાની કામગીરી ફરજિયાત ઓનલાઈન  એટલે કે ફેસલેસ થયા બાદ આશરે દોઢ મહિના જેવા લાંબાં ગાળાથી આધારકાર્ડ અને આરસી બુકમાં નામમાં જરાસરખા ફેરફારને સોફેટવેર `િરજેક્ટ' કરતું હોવાથી કચ્છમાં પણ હજારોની સંખ્યામાં વાહન ટ્રાન્સફર પ્રક્રિયા અટકી પડતાં વાહનધારકો `લટકી' પડયાનો તાલ સર્જાયો હતો. જોકે આરટીઓ દ્વારા કચેરી ખાતે નામ ટ્રાન્સફર માટે આવતા અરજદારોની આરસી બુકમાં આધાર કાર્ડ મુજબનું નામ કરી આપવાની પ્રક્રિયા બે-ત્રણ દિવસથી આખરે શરૂ થતાં લોકોની આ ક્ષેત્રની હાલાકી ઓછી થાય તેવી સંભાવના છે.  આરટીઓ કચેરીમાં વાહન ટ્રાન્સફર માટેની અરજી વખતે વર્તમાન આરસી બુકમાં માલિકના નામને આધાર કાર્ડ અનુસાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તે માટે અલગથી કોઈ ફી લેવામાં આવતી નથી એમ એઆરટીઓએ જણાવ્યું હતું. દરમ્યાન, તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ જાહેરાતના અભાવે કેટલાક અરજદારો પાસેથી આરસીમાં નામ ફેરફાર માટે ચોક્કસ રકમ પડાવાતી હોવાની પણ ફરિયાદ ઊઠી છે. તંત્રે અરજદારોને નાણા લેવાતા હોવાના કિસ્સામાં ધ્યાન દોરવાનો અનુરોધ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ તકલીફ માત્ર કચ્છની ન હતી પરંતુ આખા રાજ્યની તમામ આરટીઓને સાંકળનારી હતી અને ટ્રાન્સપોર્ટ તેમજ નોન ટ્રાન્સપોર્ટ મળીને પોણા લાખથી વધુ વાહન અને તેના માલિકો પરેશાન બન્યા હતા. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વાહનના માલિકી હકના હસ્તાંતરણ માટેની ઓફલાઈન પ્રક્રિયા સદંતર બંધ કરીને માત્ર ઓનલાઈન કરી દેવામાં આવતાં વાહન માલિકી ટ્રાન્સફરની કાર્યવાહીને ગંભીર અસર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વાહન માલિકના નામ હસ્તાંતરણ માટે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને પ્રકારે અરજી અને કાર્યવાહી થઈ શકતી હતી.

મુશ્કેલી માત્ર જૂના વાહનના માલિકોને

જાણકારી અનુસાર નવા વાહનોની નોંધણીમાં માલિકની નામ સહિતની વિગત આધારકાર્ડ અનુસાર જ થતી હોવાથી આવાં વાહનોને ફરી વેચવામાં આવે ત્યારે વેચનાર અને ખરીદનાર બંનેને કોઈ તકલીફ પડતી નથી પરંતુ જેમના વાહન જૂનાં છે તેમની આરસી બુક અને આધારકાર્ડના નામમાં ફેરફાર હોઈ શકે છે. મોટાભાગના જૂના વાહનોની આરસી બુકમાં અને આધાર કાર્ડમાં નામની નોંધણીમાં ફેર હોય છે અને નવી વ્યવસ્થા અનુસાર આરસી અને આધાર આ બંનેના નામના ક્રમમાં જરા સરખો પણ ફેર હોય તો કોમ્પ્યુટર સ્વીકારતું નથી અને નામ ટ્રાન્સફરની અરજી પળભરમાં રિજેક્ટ થઈ જાય છે.

ડીલરોમાં પણ ગણગણાટ હોવાની ચર્ચા

જૂના વાહનોના વેચાણ-ખરીદી, માલિકી હસ્તાંતરણ અને હાઈપોથિકેશનની નવી ઓનલાઈન પદ્ધતિ સામે વાહનવિક્રેતાઓમાં પણ વિરોધનો ગણગણાટ હોવાનું જાણવા મળ્યું છે. જાણકારોએ આપેલી માહિતી અનુસાર કાર ડીલરોના અખિલ ભારતીય સંગઠને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. નવી વ્યવસ્થા અનુસાર નામ ટ્રાન્સફર થયા બાદ આરસી બુક નવા માલિકના સરનામે જશે. હવે જો ગ્રાહક સહકાર ન આપે તો હાઈપોથિકેશન અને લોનની પ્રક્રિયા અટવાઈ શકે તેમ હોવાથી જૂની પ્રક્રિયા જ યથાવત રાખવા અથવા વાહન ટ્રાન્સફર થવાની સાથે જ હાઈપોથિકેશન પ્રક્રિયા પૂરી થાય તેવી સંકલિત પ્રક્રિયા અમલી બને તેવી આ વર્ગની માગણી છે.

કેન્દ્રીય કક્ષાએથી સોફ્ટવેરમાં ફેરફારથી સર્જાઈ સમસ્યા : તંત્ર

દરમ્યાન, એઆરટીઓ પાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે ભુજ આરટીઓ ખાતે વાહન માલિકના નામ ટ્રાન્સફર વખતે આરસીબુકમાં જો અલગ હોય તો આધાર કાર્ડ અનુસાર નામ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે કેન્દ્ર કક્ષાએથી સુધારવામાં આવેલાં સોફ્ટવેરને કારણે આ સમસ્યા સર્જાઈ હતી જોકે કચ્છમાં નામ ટ્રાન્સફર માટે આવતા અરજદારોને આરસી બુકમાં નામ સુધારણાની સુવિધા શરૂ કરી દેવાઈ છે એમ તેમણે કહ્યું હતું.

ફરિયાદ કરી ધ્યાન દોરવા ઈજન

દરમ્યાન, કેટલાક તત્ત્વો દ્વારા નામ સુધારણા માટે ચોક્કસ રકમની માંગ કરાતી હોવાની કેટલાક અરજદારોએ ફરિયાદ કરી હતી. આ અંગે પૂછવામાં આવતાં એઆરટીઓએ કહ્યું કે અરજદારો દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવશે તો તપાસ કરીને પગલાં લેવામાં આવશે.

Panchang

dd