• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

કચ્છમાં 100 નવા વૈદિક ગુરુકુળનું નિર્માણ કરાશે

કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 23 : અબડાસા તાલુકાના ભવાનીપુર સ્થિત સંત ઓધોરામ વૈદિક ગુરુકુળ ખાતે બીજે દિવસે વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત દાતા પરિવાર અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યાં હતાં. આ અવસરે ગ્લોબલ કચ્છ અને `કચ્છમિત્ર સુખનું સરનામું', પાર્વતીબેન રામાણી ફાઉન્ડેશન, ભારાપર, ભાનુશાલી મહાજન સહિત ભવાનીપુર ઉપરાંત દાતા પરિવાર અને મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે 100 નવા વૈદિક ગુરુકુળના નિર્માણનો સંકલ્પ જાહેર કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ગુરુકુળના ઋષિકુમારો દ્વારા સંસ્કૃતમાં સ્વાગત ગીત ગાઈને તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ગુરુકુળના મુખ્ય આચાર્ય ગૌરવજીએ સંસ્થાના અભ્યાસક્રમ અને શૈક્ષણિક ગતિવિધિઓની વિગતવાર રૂપરેખા આપી હતી.

સંસ્કાર સિંચન માટે ગુરુકુળ અનિવાર્ય

કાર્યક્રમના અધ્યક્ષ જિજ્ઞાબેન ભાનુશાલીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના વૈદિક ગુરુકુળોમાં અભ્યાસ પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ આજે આઈએએસ, નાસા અને આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. ધર્મની સાથે સંસ્કારોનાં સિંચન માટે વૈદિક ગુરુકુળ અનિવાર્ય છે, તેમણે ઉમેર્યું હતું કે, ભવાનીપુરમાં હાલ બાળકો માટે ગુરુકુળ કાર્યરત છે, પરંતુ આગામી સમયમાં અહીં દીકરીઓ માટે પણ અદ્યતન ગુરુકુળ બનાવવાની તેઓ નેમ ધરાવે છે. રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઈ સોલંકીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, વૈદિક પરંપરા એ આપણા સમાજની જવાબદારીના ભાગરૂપ આપણું કર્તવ્ય પણ છે. શિક્ષણમાં જો સંસ્કારો નિભાવવા હોય તો બાળકોનાં ભવિષ્ય માટે શિક્ષણની સાથે વૈદિક જ્ઞાન મળે તે માટે ગુરુકુળ શિક્ષણ પર ભાર મૂકવો અત્યંત જરૂરી છે.

રાષ્ટ્ર ઉત્થાન માટે સંસ્કૃતિનું જતન જરૂરી

આ પ્રસંગે સ્વામી શાંતાનંદ મહારાજે પોતાનાં વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો દેશ બચાવવો હોય, રાષ્ટ્રને ફરી બેઠું કરી મહાન બનાવવું હોય અને આપણી ભવ્ય સંસ્કૃતિનું જતન કરવું હોય તો બાળકોનાં શિક્ષણમાં વૈદિક ગુરુકુળો વધવા જ જોઈએ, તો જ નવી પેઢીને ધર્મ અને જ્ઞાન સાથેનું શ્રેષ્ઠ શિક્ષણ મળી શકશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વૈદિક ગુરુકુળોમાં કેવું શિક્ષણ અપાય છે તેનું ઉદાહરણ અહીં જોવા મળે છે, જ્યાં બાળકો આજના સમયની આધુનિક ટેકનોલોજી સાથે પણ શિક્ષણ મેળવી રહ્યા છે જે વર્તમાન સમયમાં ખૂબ જ જરૂરી છે.

અગ્રણીઓની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં મંચ પર અધ્યક્ષ જિજ્ઞાબેન ભાનુશાલી સાથે સ્વામી શાંતાનંદ મહારાજ, મહેન્દ્રભાઈ ખારુવા, હેમાબેન રાંભિયા, સંકેતભાઈ રાભિંયા, અમૃતભાઈ, દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી, કચ્છમિત્રના ગિરીશભાઈ જોશી, ઇશ્વરભાઇ પટેલ, મગનભાઈ પટેલ, બીનાબેન ભાનુશાલી, નારાયણભાઈ વિશ્રામભાઇ રામાણી, હરીશભાઈ શેઠિયા, જમીનના દાતા પરસોત્તમભાઈ જોઈસર, વર્ધમાન પરિવારના દેવચંદભાઈ, મનોજભાઈ સોલંકી, સ્વામીનાથજી, મનાલીબેન, મલયભાઈ જોશી, પ્રભાબેન પટેલ, પંકજભાઈ શાહ, શંકરભાઈ રબારી, જિતેશભાઈ ગજરા સહિતના તમામ દાતાઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

નવા પ્રકલ્પનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત

ત્યારબાદ દાતાઓના હસ્તે નવનિર્મિત ભવનનું ભૂમિપૂજન તથા કોમ્પ્યુટર ક્લાસરૂમ, વિજ્ઞાનખંડ અને ડિજિટલ પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુરુકુળના ઋષિકુમારો દ્વારા જીમનાસ્ટિક અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જેમાં રમતગમત અને શારીરિક કૌશલ્યોનાં કરતબો જોઈને ઉપસ્થિત લોકો અચંબિત થઈ ગયા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટી વાડીલાલ પોકાર, સુરેશભાઈ દામા, પ્રાગજીભાઈ ખાનિયા, મથુરાભાઈ હંજણા, મથુરાભાઈ જોઈસર, વારે ગુરુ પ્રણેતા સેન્ટરના પ્રભાબેન પટેલ, દેવજીભાઈ, દિનેશભાઈ ભાનુશાલી (નલિયા), ગુરુકુળના વિવેકજી, પુષ્પેન્દ્ર આચાર્ય અને ગુરુકુળમાં માતા-પિતા સમાન સેવા આપતા દયાવતભાઈ અને અનિતાબેન સહિત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાપક ટ્રસ્ટી મંગલભાઈ ભાનુશાલીએ કર્યું હતું, જ્યારે વ્યવસ્થા ભાવેશભાઈ ભદ્રા, કિશોરભાઈ ગોરી, જયેશભાઈ ગોગરી અને શૈલેશભાઈએ સંભાળી હતી.

ગુરુકુળને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવાની નેમ

કચ્છની પવિત્ર ધરા પર શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવાના ઉમદા હેતુ સાથે ભવાનીપુર ઓધવરામ ગુરુકુળ દ્વારા એક વિરાટ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટી ગાવિંદભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં કચ્છના ખૂણે-ખૂણે શિક્ષણનો વ્યાપ વધારવા માટે 100 વૈદિક ગુરુકુળ સ્થાપવાનું અમારું લક્ષ્ય છે. ગાવિંદભાઈ ભાનુશાલીએ વધુમાં જણાવ્યું કે, `કચ્છમિત્ર' અખબાર હંમેશાં સામાજિક અને શૈક્ષણિક રાહબરની ભૂમિકા ભજવતું આવ્યું છે. આ કથા દરમિયાન જે કંઈ પણ દાન કે ફંડ એકત્રિત થશે, તેનો સંપૂર્ણ ઉપયોગ શિક્ષણના વિકાસ અને ઉત્થાન માટે જ કરવામાં આવશે. સંસ્થાનો ઉમદા હેતુ એવો છે કે ભવિષ્યમાં ગુરુકુળને ચલાવવા માટે કોઈની પાસે દાન માટે હાથ લંબાવવો ન પડે અને ગુરુકુળ સંપૂર્ણપણે `આત્મનિર્ભર' બને. ગુરુકુળની શિક્ષણ પદ્ધતિ વિશે પ્રકાશ પાડતાં તેમણે ઉમેર્યું હતું કે, અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. બાળકને ખુલ્લા મેદાન જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, જેથી તે પુષ્પની જેમ ખીલી શકે. અહીંના વિદ્યાર્થીઓ અત્યાધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં કાઠું કાઢી રહ્યા છે, જેની સાથેસાથે તેઓ આપણી પ્રાચીન વૈદિક પરંપરાનું જ્ઞાન પણ મેળવી રહ્યા છે.

Panchang

dd