• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

મોમ્બાસા શહેરના રસ્તાને કચ્છી દાતાનું નામ અપાયું

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 17 : કેન્યાના બંદરીય શહેર મોમ્બાસામાં સ્વામિનારાયણ મંદિરથી ઓસવાળ વણિક સમાજવાડી સુધીના રસ્તાને સ્થાનીય કાઉન્ટીએ સત્તાવાર `હસમુખ કે. પટેલ' નામકરણ કર્યું હતું, તે સાથે હસુભાઇ બીજા કચ્છી બન્યા હતા કે, જેનાં નામથી કેન્યા દેશે સરકારી ગૌરવ સાથે નામાભીધાન કર્યું હતું. વિશ્વવાસી કચ્છીઓએ ગૌરવ અનુભવ્યું હતું. મોમ્બાસા કાઉન્ટીના ગવર્નર અબ્દુલસ્વમદ શરીફ નાસીર દ્વારા રસ્તાનું નામકરણ કરાયું ત્યારે હસમુખભાઇના પુત્ર દર્શક ભુડિયા, માતા વેલબાઇ કાનજી ભુડિયા સાથે ધોલેરા સ્વામિનારાયણ મંદિરના મહંત હરિકેશવ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, દર્શન સ્વામી, લાલજી ભગત, મોમ્બાસા લેવા પટેલ સમાજ પ્રમુખ દિનેશભાઇ હીરાણી, રમેશભાઈ હીરાણી, કચ્છ સત્સંગ મંદિર પ્રમુખ નારાણભાઇ મેપાણી સહિતના આગેવાનો જોડાયા હતા. મોમ્બાસાના વિકાસ અને લોકો માટેની તેમની લાંબી સેવા તથા  નોંધપાત્ર યોગદાન, હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, સહજાનંદ સ્પેશિયલ સ્કૂલ, જરૂરિયાતમંદોને મફત ભોજન, દિવ્યાંગોને મદદ, કિબારાની ડમ્પ સાઇડમાં સ્વચ્છતા, પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન માટે સત્તાવાર માન અપાયું હતું. હસુભાઇ કચ્છ - ફોટડી ગામના મૂળ વતની હતા અને 2024માં તેમનું અવસાન થયું હતું. એક વર્ષ બાદ તેમને આ માન અપાયું છે, તે સાથે તેઓ વાડાસરના લક્ષ્મણ ભંડેરી બાદ બીજા કચ્છી બન્યા હતા, જેમને કેન્યા સરકારે આવું માન આપ્યું હતું. નાઇરોબીમાં ભંડેરી રોડ લક્ષ્મણભાઇ નામથી છે, તેઓ કેન્યન સરકારમાં અધિકારી હતા અને વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. હસુભાઇની ઉદાત સખાવતો અને સેવાની નોંધ લેવાતાં મોમ્બાસા ઉપરાંત નાઇરોબી લેવા પટેલ સમાજ પ્રમુખ પ્રવીણભાઇ પિંડોરિયા યુગાન્ડા લેવા પટેલ સમાજ પ્રમુખ જિતેશ વાઘજિયાણી, યુ.કે. કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા, અમદાવાદ પ્રમુખ કરસનભાઇ રાઘવાણી, મેઘજીભાઇ ખેતાણી, દાર-એ -સલામ સમાજના રવજી ગોવિંદ વરસાણી, ભુજ સ્વામિનારાયણ મંદિર મહંત ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત ભગવદજીવન સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશ સ્વામી, મંદિર કમિટી, છારોડી ગુરુકુળ અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી, ભુજ સમાજના પૂર્વ સૂરિઓ આર.આર. પટેલ, કે. કે. પટેલ, ગિરધરભાઇ પિંડોરિયા, આર.એસ. હીરાણી, વિશ્રામભાઇ વરસાણી, ચોવીસી ગામોમાં વિશેષ હરખ ફેલાયો હતો. માતૃસંસ્થા કચ્છી લેવા પટેલ સમાજના સભ્યોમાં પણ હસુભાઇનાં પ્રદાનની નોંધથ લેવાઇ તે ઘટનાને વિશેષ ગણાવાઇ હતી. યુ.કે.થી દાતા શામજીભાઇ શિવજી દબાસિયા, કે.કે. જેસાણી, શશિકાંતભાઇ વેકરિયા, નાઇરોબી આર.ડી. વરસાણી, મૂળજીભાઇ પિંડોરિયા, કાંતિભાઇ કેરાઇ, હીરજીભાઇ સિયાણી સહિતના અનેક આગેવાનોએ કચ્છના ઇતિહાસમાં નોંધપાત્ર પ્રસંગ ગણાવ્યો હતો. હસુભાઇએ યુગાન્ડામાં મોટું પ્રદાન આપ્યું હતું, તેથી ત્યાં પણ આનંદ ફેલાયો હતો.

Panchang

dd