નવી દિલ્હી, તા. 17 : ભારતમાં ઊંચી
આવક ધરાવતા કરદાતાઓની સંખ્યામાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. એસબીઆઈ રિસર્ચના અહેવાલ
મુજબ, આકારણી વર્ષ 2026માં 100 કરોડ કે તેથી વધુની વાર્ષિક
આવક જાહેર કરનારા કરદાતાઓની સંખ્યા 39 ટકા વધીને 576 થઈ છે, જે ગત
વર્ષમાં 415 હતી. આ વૃદ્ધિ
દેશભરમાં વધતી જતી આવક, વ્યવસાયના
વિસ્તરણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં આવેલા ઉછાળાનો સંકેત દર્શાવે છે. આ અહેવાલ માત્ર
અતિ-ઉચ્ચ આવક ધરાવતા જૂથમાં જ નહીં, પરંતુ 1 કરોડ કે તેથી વધુ આવક જાહેર કરનારા કરદાતાઓની
સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો સૂચવે છે. આ શ્રેણીમાં કરદાતાઓની સંખ્યા આકારણી વર્ષ
2025ના 4,71,419થી વધીને આકારણી વર્ષ 2026માં 5,35,672 થઈ છે, જે વાર્ષિક ધોરણે 14 ટકાનો વધારો દર્શાવે છે. એક
મીડિયા હેવાલ મુજબ, સૌથી વધુ આવક
ધરાવતા વર્ગમાં વૃદ્ધિનો દર વ્યાપક `ઉચ્ચ-આવક' શ્રેણીની
તુલનામાં નોંધપાત્ર રીતે વધુ ઝડપી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 100 કરોડથી વધુ આવક ધરાવતા કરદાતાઓની
સંખ્યામાં વધારો થયો છે. 2022માં આ શ્રેણીમાં
માત્ર 142 કરદાતા હતા, જે 2023માં 301 થયા હતા.
જો કે, 2024માં તેમાં
થોડો ઘટાડો થયો હતો અને આ સંખ્યા ઘટીને 284 થઈ હતી, પરંતુ
ત્યારબાદ આ વલણ ફરી વેગવંતુ બન્યું અને 2025માં આ આંકડો 415 પર પહોંચ્યો હતો અને 2026 સુધીમાં આ સંખ્યા 576 સુધી પહોંચી છે. તે ઉપરાંત 1 કરોડથી વધુ આવક ધરાવતા કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો
છે. 2022માં આ શ્રેણીમાં 1,93,800 કરદાતા હતા, જે 2023માં વધીને 2,69,184 થયા, જ્યારે 2024માં 3,49,974 અને 2025માં આ સંખ્યા 4,71,419 હતી. 2026 સુધીમાં આ આંકડો વધીને 5,35,672 થઈ ગયો છે. એસબીઆઈ રિસર્ચે
પણ તેના અહેવાલમાં ભારતીય અર્થતંત્ર માટે આશાવાદી દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો છે. અહેવાલ
મુજબ, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં
ભારતનો કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દર 8 ટકા રહેવાનો અંદાજ છે.