ભુજ, તા. 17 : નખત્રાણા તાલુકાના મંજલ અને
કલ્યાણપર વાડીવિસ્તારમાં એક કરતાં વધુ કેબલચોરીના બનાવ સામે આવતાં આ તસ્કરોના ત્રાસથી
ખેડૂતો ચિંતિત બન્યા છે. થોડા દિવસો પહેલાં મંજલના પટેલ ખેડૂતની વાડીમાંથી 80 હજારના બોર કેબલના વાયરની ચોરી
થઈ હતી, જે અંગે આ વિસ્તારના પોલીસ કર્મચારીને વિગતે
મૌખિક જાણ કરાઈ હતી. આ દરમ્યાન બે-ત્રણ દિવસ પહેલાં ફરી ત્રણથી ચાર વાડી ઉપર તસ્કરો
જાણે રીતસરના ત્રાટક્યા હોય તેમ સામૂહિક કેબલની ચોરી કરી હતી. આ અંગે પણ ગ્રામ રક્ષક
દળ - પોલીસને સમગ્ર વિગતો સાથે વાકેફ કરાયા હતા, પરંતુ હજુ સુધી
તસ્કરોનું પગેરું મળ્યું નથી. પોલીસ ફરિયાદ પણ ન નોંધાતી હોવાનો રોષ ખેડૂતો ઠાલવી રહ્યા
છે. વહેલી તકે આવા તસ્કરોને ઝડપી પોલીસ ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવી માંગ ખેડૂતોની
હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.