બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 17 : બિબ્બર નજીક
ખુડીવાળા શંકરધામે ચાલુ શ્રાવણ માસે શિવભક્તિની ધામધૂમથી ઊજવણીની તૈયારીઓ થઇ ચૂકી છે.
દરવર્ષે શિવભક્તોની સંખ્યા વધતાં અહીં કેટલીક ભૌતિક સુવિધાનો વધારો કરાયો છે. કચ્છી
શબ્દ `ખુડી'નો અર્થ બખોલ કે ગુફા જેવો થાય છે. ડુંગરના કાળમીંઢ મહાકાય પથ્થરમાં કુદરતી
રીતે નિર્માણ થયેલી બખોલમાં શિવલિંગની સ્થાપના આજથી બે સદી પૂર્વે થઇ હોવાનું મનાય
છે. આસપાસ નાના-મોટા ડુંગરોની હારમાળા અને પહાડી પંથકની તળપદી વનસ્પતિના પ્રાકૃતિક
સૌંદર્ય વચ્ચે બિરાજમાન મહાદેવને કેટલાક ભાવિકો ત્રિપુરારી મહાદેવ તરીકે પણ ઓળખે છે.
વાવણીલાયક વરસાદ પછી આ ધામનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. આસપાસના ડુંગરોમાંથી
નીકળતા વરસાદી કુદરતી ઝરણાં અને એ વચ્ચેના પથ્થરો પાણીના વહેણથી ઘસાઇ કુદરતી શિવલિંગ
આકારમાં કંડારાતાં શિવધામનું મહત્ત્વ વધ્યું છે. પહાડી પંથક મોરના ઘર ગણાય છે. અહીં
વહેલી સવારથી મોડી સાંજ સુધી મોરલાના મધુર ટહુકાર વચ્ચે શિવનાદથી પહાડી પ્રદેશ ગાજી
ઊઠે છે. નિરોણા-નખત્રાણા રોડ સાથે સંકળાયેલા આ ધામના કાચા રસ્તાને ડામરથી મઢવામાં આવ્યો
છે. શ્રાવણ માસ દરમ્યાન ભુજથી આ શિવધામ સુધી ભક્તોને પહોંચવા સવારના ભાગે એસ.ટી. બસની
ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરવર્ષે અહીં આવેલા શિવભક્તોની સંખ્યામાં વધારો થતાં
ચાલુ સાલે પતરાંનો શેડ, બખોલના આગળના ભાગે મોટો ઓટલો,
વિશાળ રસોડા સહિતની સગવડ ઊભી કરાઇ છે. પાણીની સુવિધા માટે બોર પણ ચાલુ
છે. શરૂ થયેલા શ્રાવણ માસ દરમ્યાન અહીં રોજ સવારે સેવા-પૂજા, ગાયત્રી હવન, શિવપુરાણ, રાત્રે
આરાધીવાણી અને સંતવાણીના કાર્યક્રમો ઉપરાંત દર સોમવારના મહાઆરતી અને મહાપ્રસાદના પણ
આયોજન થઇ ચૂક્યાં છે.