નવી દિલ્હી, તા.17 : દેશનાં રાષ્ટ્રીય
ધોરીમાર્ગો ઉપર ટોલ પ્લાઝા ઉપર લાગેલા ફાસ્ટેગ અને ઓટોમેટિક નંબર રેકગ્નિશન કેમેરા
હવે ફક્ત ટોલની વસૂલાતનાં ઉપયોગ પૂરતા સીમિત રહેવાનાં નથી. તેનાથી હવે અપરાધીઓ અને
આતંકવાદીઓ ઉપર સકંજો પણ કસવામાં આવશે. કેન્દ્ર સરકાર આ સમગ્ર વ્યવસ્થાનો ઉપયોગ વાહન
ચોરી, સંગઠિન અપરાધ, આતંકવાદી
ગતિવિધિ ઉપર પહેરો મૂકવા અને તેને સાણસામાં લેવા માટેની તૈયારી કરી રહી છે. માર્ગ-પરિવહન
મંત્રાલય દ્વારા આનાં માટે દિશાનિર્દેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે. અગાઉ આતંકવાદી
હુમલાઓમાં વાહનોમાં વિસ્ફોટકોની હેરાફેરી થયેલી છે અને વાહનોનો ઉપયોગ બોમ્બ તરીકે પણ
કરવામાં આવ્યો છે. આતંકી હુમલામાં વપરાયેલા વાહનોની નંબર પ્લેટો બદલીને પછી તેમાં જ
ધડાકા કરી નાખવામાં આવ્યા હોવાનાં અનેક કિસ્સા છે. આવી કોઈપણ હિલચાલ સામે ટોલપ્લાઝાની
વ્યવસ્થા મદદરૂપ સાબિત થઈ શકે તેમ છે. એનઆઈએ
અને ગુપ્તચર એજન્સીઓને સીધી જાણકારી મળવાથી બ્લેકલિસ્ટેડ કે શંકાસ્પદ વાહનોને ટોલપ્લાઝાએ
પહોંચતા જ એલર્ટ જારી થઈ શકશે. તેનાથી સંવેદનશીલ ક્ષેત્રમાં વાહનોની અવરજવર ઉપર નજર
રાખવાનું અને હુમલાની ઘટનામાં આતંકવાદીઓની હિલચાલને પણ પકડી પાડવાનું આસાન થઈ શકશે.
આ સમગ્ર વ્યવસ્થા રાષ્ટ્રીય સુરક્ષામાં નવા સીમાચિહ્ન સમાન બની શકશે. આવી જ રીતે હિટ
એન્ડ રનની ઘટનાઓમાં પણ ભાગી જતાં વાહનોની ઓળખ કરવાનું પણ આસાન થઈ જશે. દુર્ઘટનાસ્થળની
આસપાસનાં ટોલપ્લાઝાનાં ટાઈમ સ્ટેમ્પ અને વ્હિકલ ટ્રેકિંગ ડેટાથી આરોપ અને વાહનોની ગતિવિધિનો
નક્શો પણ બનાવી શકાશે. લૂટ, અપહરણ, હથિયારોની
તસ્કરી સહિતનાં અપરાધોમાં વપરાતા વાહનો ઉપર બહેતર નજર રાખવાનું આસાન બનશે.