• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

નાગપંચમીએ પૂજન કરી કચ્છની સુખાકારી માટે પ્રાર્થના કરાઇ

ભુજ, તા. 17 : નાગપંચમીના દિવસે કચ્છના રાજપરિવારે પારંપરિક શાહી સવારી કાઢી 296 વર્ષથી ચાલી આવતી પરંપરાને નિભાવી હતી. દરબારગઢથી ભુજિયા ડુંગર સ્થિત ભુજંગદેવનાં મંદિર સુધી શાહી સવારી નીકળી હતી. રાજપરિવારના મહારાણી પ્રીતિદેવી તરફથી સમગ્ર કચ્છીજનોને પવિત્ર શ્રાવણ માસથી શરૂ થતા આવનારા બધા તહેવાર માટે શુભેચ્છા પાઠવી સમગ્ર કચ્છ માટે આ વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરી હતી. 296 વર્ષોથી વધુ સમયથી ચાલી આવતી પરંપરા જાળવી રાખતાં રાજપરિવારના કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજા દ્વારા પૂજાવિધિ કરવામાં આવી હતી. કચ્છના અંતિમ મહારાવ સ્વ. પ્રાગમલજી ત્રીજાની પ્રતિમૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મા મહામાયાનાં મંદિરે દર્શન કરી ભુજિયા ડુંગર સ્થિત ભુજંગ દાદાનાં મંદિરે જવા પ્રસ્થાન કરાયું હતું. ભુજંગદેવનાં મંદિરે વિધિ-વિધાનપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી આ પૂજા ભુજંગદેવનાં નીચેનાં મંદિરે કરવામાં આવે છે. નાગપાંચમના પૂજન કાર્યક્રમમાં તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ, દેવપર ઠાકોર, કૃતાર્થસિંહજી, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી, ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શીતલભાઇ શાહ, જોરાવરસિંહ કે. રાઠોડ, ધીરેનભાઇ ઠક્કર, ઉર્મીનભાઇ ઠક્કર, રઘુરાજસિંહ રાઠોડ, અંશુલ વચ્છરાજાની, જયદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, દેવદત્ત ગઢવી, શૈલેન્દ્રસિંહ જાડેજા, મનોજ પાંડે, શ્રીરાજસિંહ ગોહિલ, કચ્છ ઇતિહાસ પરિષદના સભ્યો અને ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ વતી ભુજંગદેવ મંદિરના પૂજારી તેમજ પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. પૂજનવિધિ શાત્રી તેજશ જોશીએ કરાવી હતી. ભુજંગદેવ દાદાના પૂજારી હીરુભાઇ સંજોટનો સહયોગ મળ્યો હતો.

Panchang

dd