• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

ભૂખી નદી નવસર્જન સાથે કાંઠાનાં ગામોનો કાયાકલ્પ થશે

મુંદરા, તા. 17 :  મુંદરા તાલુકાના વાંકી-પત્રીથી મુંદરા સુધીના પટ્ટાના ખેડૂતોને આધારભૂત એવી ભૂખી નદીનું નવસર્જન અને કાંઠાને જોડતા વન- બગીચા સાથેના હાલમાં ચાલી રહેલાં ભગીરથ કાર્ય  સંદર્ભે આસપાસનાં ગામોના આગેવાનો સાથે પ્રગતિ સમીક્ષા બેઠક યોજાઈ હતી અને સૂચનો સાંભળવામાં આવ્યા બાદ તેના ઉકેલ અને આગળ સકારાત્મક દૃષ્ટિ અને સહકારથી કામ આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો. ગ્લોબલ કચ્છ-કચ્છમિત્રના ઉપક્રમે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના માતબર આર્થિક સહયોગથી આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટની નજીકનાં ગામના સરપંચો, આગેવાનો સાથે તાજેતરમાં મુંદરાની સુરભિ હોટેલના કોન્ફરન્સ હોલમાં મિલન યોજાયું હતું, જેમાં કાર્યરત એજન્સીઓ દ્વારા પ્રોજેક્ટરનાં માધ્યમથી કાર્યની પ્રગતિની ચર્ચા કરાઈ હતી અને ગામલોકોનાં સૂચનો માગવામાં આવ્યાં હતાં. આ સંદર્ભે કાર્યરત સંસ્થા અને એજન્સીઓ દ્વારા તેમનાં સૂચનોને ધ્યાને લઈને આ પ્રકારના  દાખલારૂપ તેમજ પડકારજનક પ્રોજેક્ટને સહકારથી પૂર્ણ કરવા સંકલ્પબદ્ધતા વ્યક્ત કરાઈ હતી.

ઇન્ટરનેશનલ ફ્લેગશીપ પ્રોજેક્ટ તરીકે વિકસાવવાની નેમ

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ કચ્છ પ્રમુખ હાર્દિકભાઈ મામણિયાએ આ વિશાળ અને વ્યાપક સ્તરનાં કામની પ્રગતિ પર હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ડિસિલ્ટિંગ અને જનરલ સફાઈનું કાર્ય 50 ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકીનું કાર્ય પણ આગામી ટૂંકા ગાળામાં પૂર્ણ થશે. વોટર મેનેજમેન્ટમાં આધુનિક ટેકનોલોજી માટે વિવિધ દેશો સાથે વાતચીત થઇ છે અને મુંદરાને તેનો લાભ મળવા પ્રયાસો જારી છે. નદી જીવંત થાય એ માટે આ પુનર્જીવન પ્રોજેક્ટ સાથે આસપાસનાં ગામોને જોડીને ગામોનો વૈભવ વારસો સંરક્ષિત કરીને હેરિટેજ વોક દ્વારા પ્રવાસન સ્થળ તરીકે અને ઇન્ટરનેશનલ ફ્લેગશિપ પ્રોજેક્ટ તરીકે વિકસાવવાની નેમ છે. તેમણે પ્રોજેક્ટ સાથે નદી સાથે જોડાયેલાં ગામો જોડે નિયમિત બેઠક પર ભાર મૂક્યો હતો.

નવ ચેકડેમનું સમારકામ હાથ ધરાયું

ગ્લોબલ કચ્છના સીઇઓ અરુણ જૈને કહ્યું કે, આવા મેગા પ્રોજેક્ટમાં કઠિનાઈ આવે એ સ્વાભાવિક છે, પણ ગામલોકોના સહકારથી ઉકેલી લેવાશે એવો વિશ્વાસ છે. સૂચનોની નોંધ લેવામાં આવી રહી છે. ભૂખી નદી વચ્ચે આવતા નવ ચેકડેમોની મરંમત પણ કરાઈ રહી છે. આ પહેલાં, કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે પ્રોજેક્ટને વિશાળ ગણાવીને અગાઉની જેમ જ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કચ્છમિત્રના મેનેજર મુકેશભાઈ ધોળકિયાએ ગામના આગેવાનોને આવકાર આપવા સાથે આયોજનમાં સહયોગ બદલ હોટેલ સુરભિ પરિવાર અને ભોગીલાલભાઈ ચાવડાનો આભાર વ્યકત કર્યો હતો.

કૃષિ આધારિત આયોજન જરૂરી

ગ્લોબલ કચ્છ કોર કમિટી સદસ્ય અને જિ. પં. પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવીએ ભૂખી નદીના કાંઠાને લીલી વાડીવાળો વિસ્તાર ગણાવીને તેનાં વિકાસકાર્યોમાં  કૃષિ આધારિત આયોજન થાય તેવું સૂચન કર્યું હતું. પ્રોજેક્ટના સંયોજક અને કચ્છ સરપંચ સંગઠન પ્રમુખવિરાણિયા સરપંચ શક્તાસિંહ જાડેજાએ પાળા બનાવવા સંબંધી જરૂરી સૂચનો કર્યાં હતાં. ટોડા ઉપસરપંચ ગજેન્દ્રસિંહ જાડેજા, મોટા કપાયાના આગેવાન નવલસિંહ પઢિયાર, લાખાપરના બટુકસિંહ જાડેજા, મંગરાના ચંદ્રસિંહ જાડેજા, નાના કાંડાગરાના દિગુભા જાડેજા, ભોરારાના અરાવિંદસિંહ જાડેજા વગેરેએ ઉપસ્થિત રહી સૂચનો કર્યાં હતાં.

મિયાવાકી વન ઊભા કરાશે

પ્રોજેક્ટમાં કામ કરતી એજન્સીઓ વતી નરેશભાઈ જોશી તેમજ અમિતભાઈ સોરઠિયાએ કાર્યની વિગતો આપવા સાથે સૂચનોને તુરંત ધ્યાને લઈને ઉકેલની ખાતરી આપી હતી. મિયાવાકી વનની પ્રગતિ વિશે યશ ગુંદિયાએ કહ્યું કે, નવ ગામમાંથી ચાર ગામમાં કામ શરૂ થઈ ચૂક્યું છે, દરેકમાં 3000 વૃક્ષનું આયોજન છે અને કામ શરૂ થતાં પ્રકૃતિગત સારાં પરિણામ પણ મળી રહ્યાં છે. આર્કિટેક્ટ હિનલ ભગત, અજય ગણાત્રા અને માનસી ભટ્ટએ વાંકી-પત્રીથી લઈને મોટા કપાયા સુધીનાં ગામોમાં દેખાતી ઐતિહાસિક ભવ્યતા, જૈન સ્થાનોમાં કલાત્મક બાંધણી, ઝરૂખા, કેટલાક ગામોમાં કલાત્મક કિલ્લાઓને સુશોભિત કરીને મ્યુઝિયમમાં અને પ્રવાસન સ્થળમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય તેનાં સંશોધન પછી તૈયાર કરાયેલા પ્રોજેક્ટનું નિદર્શન કર્યું હતું.

Panchang

dd