• શનિવાર, 11 જુલાઈ, 2026

માંડવીમાં કૂતરા માટે 17 વર્ષથી રોટલાની સેવા

કાઠડા (તા. માંડવી), તા. 10 : સેવાનું ધ્યેય હોય તો ગમે તે રીતે જીવદયાની સેવા થઈ શકે છે તેનું ઉદાહરણ માંડવીમાં જોવા મળે છે. માંડવીના કૂતરા પણ ભૂખ્યા ન સૂવા જોઈએ, એ ધ્યેય સાથે માંડવી શાખા ગ્રાઉન્ડમાં રોજ 2200થી 2500 બાજરાના રોટલા બને છે. રોજ 150 કિલો બાજરાના લોટ સાથે 12 બહેન બપોરે ત્રણથી 6:30 સુધી રોટલા શેકવામાં વ્યસ્ત બને છે, જે સેવા 17 વર્ષથી અવિરતપણે ચાલુ છે. શિયાળો હોય કે ચોમાસું, 365 દિવસ સેવા ચાલુ છે. માંડવી તથા માંડવીના આજુબાજુના વિસ્તાર શિતલા રોડ, દુર્ગાપુર રોડ, કાઠડા ફાટક, પવનચક્કી - દરિયાકાંઠો, ક્રાંતિતીર્થ સહિત તમામ વિસ્તારોમાં સાંજે છથી રાત્રિના 10 વાગ્યા સુધી રોટલા અપાય છે અને કૂતરા પણ અહીં રાહ જોઈને બેઠાં હોય છે. માત્ર ગાડીના અવાજ અને હોર્ન ઉપર કૂતરા સમજી જાય છે કે અમારું ભોજન આવી ગયું છે એવું રોટલા બનાવવાનું સંચાલનકર્તા મુકેશભાઈ ત્રિવેદી અને રમેશભાઈ સેંઘાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે માત્ર પાંચ કિલો લોટથી રોટલા બનાવવાનું શરૂ કર્યું હતું, જે આજે 150 કિલો લોટના રોટલા બનાવીએ છીએ. દાતાઓ અંગે પૂછતાં શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું  કે ભગવાન ઉપર ભરોસો રાખીને શરૂ કર્યું હતું અને સેવાનું કામ કરો તો ભગવાન ક્યારે પણ કામ નથી અટકાવતા. દાતાઓ સાથે સેવા અવિરત ચાલુ છે. કોઈ બાજરો મોકલાવે, કોઈ રોકડ આપે, પણ કાયમ સેવા ચાલુ જ રહે છે. તો 14 વર્ષથી વિન્ડફાર્મ, શિતલા રોડ વગેરે સ્થળે ફરીને આ જીવદયા પ્રવૃત્તિ સાથે જોડાયેલા સંજય દયારામ ભાનુશાલી અને અજિતસિંહ ગુલાબસિંહ જોષીએ જણાવ્યું હતું કે રોજ સાંજ પડે છે, રોટલા લઈને નીકળીએ છીએ. ક્યારેક વધુ વરસાદ હોય તો વધારે ઠંડી પણ હોય તો પણ અમે અમારો નિત્યક્રમ નથી ચૂક્યા.  સત્કાર્યનો અમને સંતોષ મળે છે અને વળી ક્યારેક તો રોટલા સાથે કૂતરા માટે લાપસી પણ બનાવીએ છીએ અને આ સેવાકીય પ્રવૃત્તિમાં દાતાઓનો પણ સહયોગ મળી રહે છે. વધુ માહિતી આપતાં જણાવાયું હતું કે શાખા ગ્રાઉન્ડ ખાતે રૂમની મફત સેવા શાંતિલાલભાઈ ગણાત્રા તથા પ્રકાશભાઈ ગણાત્રા દ્વારા મળી રહી છે અને મુંબઈ સ્થાયી થયેલા દિનેશભાઈ જેઠાલાલ શાહ પણ સહયોગી બની રહ્યા છે. - કોરોનામાં ટિફિન : કોરોનાકાળમાં 45 દિવસ સુધી માત્ર 30 રૂપિયામાં રોજ 450 ટિફિન બનાવાતા. સરકારની મંજૂરી લઈને નજીવા દરે એટલે માત્ર 30 રૂપિયાના દરે રોજનાં 450 ટિફિનની સેવા 45 દિવસ સુધી ચાલુ રાખવામાં આવી હતી તેવું મુકેશભાઈએ જણાવ્યું હતું. 

Panchang

dd