ગાંધીધામ, તા. 10 : અહીંના ખારી રોહરમાં યુવાનને
ફોન કરવા મુદ્દે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ આધેડ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. બીજી બાજુ
અજારપર નજીક અગાઉની ફરિયાદનું મનદુ:ખ રાખી એક શખ્સે યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો
હતો. ખારીરોહરમાં રહેનાર ફરિયાદી હનીફ સુલેમાન કાતિયાર નામના આધેડ અને તેમના પત્ની
તા. 5-7ના ઘરે હતા ત્યારે બહાર રાડારાડનો
અવાજ થતાં ફરિયાદી છત ઉપર અને તેમના પત્ની બહાર નીકળ્યા હતા ત્યારે આરોપી મુસા નૂરમામદ
ભટ્ટી, સુલેમાન ઉર્ફે ભૂરિયો નૂમામદ ભટ્ટી,
ગફુર નૂરમામદ ભટ્ટી, સુલેમાન ઉર્ફે કારિયો ભટ્ટી
ફરિયાદીના દીકરા સરફરાઝને માર મારી રહ્યા હતા જેને છોડાવવા આધેડના પત્ની વચ્ચે પડતાં
આ શખ્સોએ તેમને નીચે પાડી દીધા હતા અને બાદમાં તમારો છોકરો સુલેમાનને ફોન શું કામ કરે
છે તેમ કહી છત ઉપર ચડી ફરિયાદી ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં તેમને હાથ અને પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે
ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક
મારામારીનો બનાવ અજાપરથી ગોપાલનગર તરફ જતા રોડ પર અજાપરની સીમમાં બન્યો હતો. ફરિયાદી
અરજણ રામજી કોળી બાઇક લઇને વરસામેડીથી ઘરે જઇ રહ્યો હતો. દરમ્યાન આરોપી બાવલા બીજલ
કોળી (રહે. ચીરઇ)એ અલ્ટો કારથી તેને આંતર્યો હતો અને દુધઇ પોલીસ મથકે મારા સામે અપહરણની
ફરિયાદ લખાવેલી છે. ફરિયાદીએ ફરિયાદ કિશને લખાવી હોવાનું કહેતાં ઉશ્કેરાયેલા આ શખ્સે
ધોકાવડે યુવાન ઉપર હુમલો કર્યો હતો. રાડારાડનાં પગલે આસપાસના લોકો આવી જતાં આરોપી ધમકી
આપી નાસી ગયો હતો. બનાવમાં યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી
આગળની તપાસ હાથ ધરી છે.