ભુજ, તા. 10 : કર્ણાટકમાં યોજિત ગુજરાત હસ્તકલા
ઉત્સવમાં કચ્છી કલા, કસબ,
સંસ્કૃતિ છવાયાં હતાં. ત્રીજી જુલાઈથી 11 દિવસ માટે શરૂ થયેલો ઉત્સવ
12મી જુલાઈ, રવિવાર સુધી ચાલશે. પ્રદર્શન, વેચાણ રંગ જમાવે છે. ગુજરાત સરકારના ઈન્ડસ્ટ્રીયલ એક્સચેન્જ કોટેજ (ઈન્ડેક્ષટ
- સી) દ્વારા મૈસૂરની અર્બન હાટમાં ખાસ ઊભી કરાયેલી કચ્છી ક્રાફ્ટ ગેલેરીઓએ કલાપ્રેમી
સમુદાયમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ગેલેરીમાં કચ્છી ભરતકામ, અજરખ, બ્લોક પ્રિન્ટ, બાંધણી,
કચ્છી શાલ જેવી પરંપરાગત હસ્તકળાઓને જોનારાઓએ મનભરીને વખાણી હતી. ગુજરાત
સરકારના રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગના
સહયોગથી યોજિત ત્રણ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભુજની ઝંકાર ડાન્સ એકેડેમીના રાસ
- ગરબાએ રંગત જમાવી હતી. હેન્ડલૂમ, ટેક્સટાઈલ વિભાગના ડાયરેક્ટર
એ. બસવરાજુના હસ્તે ઉત્સવનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે કર્ણાટક રાજ્ય હસ્તકલા
વિકાસ નિગમના એમડી એચ. આર. રાજપ્પા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડેક્ષ્ટ -
સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સંજય જોશીનાં માર્ગદર્શન હેઠળ મેનેજર આર. એસ. શાહ,
વરિષ્ઠ અધિકારી આર. એસ. પ્રજાપતિએ સમગ્ર આયોજન સંભાળ્યું હતું. ઈન્ડેક્ષ્ટ-સીના
અધ્યક્ષ તેમજ ગુજરાતના ખાણ ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ મોહમ્મદ શાહિદે જનતાને કારીગરો
પાસેથી સીધી ખરીદી કરવાની અપીલ કરી હતી.