નવી દિલ્હી, તા.10 : અમેરિકા તરફથી
હુમલા બંધ થયા બાદ પણ ઈરાનને નિશાન કોણ બનાવી રહ્યું છે તે મોટો સવાલ સર્જાયો છે. અમેરિકા
દ્વારા હુમલા રોકવાની ઘોષણા બાદ પણ થયેલા રહસ્યમયી અને દાવા વિના થયેલા હુમલાઓએ ઈરાનને
પણ અચંબામાં મૂક્યું છે. ગઈકાલે આ હુમલાઓ ત્યારે કરવામાં આવ્યા હતા જ્યારે ઈરાન દિવંગત
સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખોમેનીની અંતિમક્રિયામાં વ્યસ્ત હતું. આ હુમલાઓએ દક્ષિણી
ઈરાનના અનેક વિસ્તારને ચપેટમાં લીધા હતા. ઈરાને હજુ સુધી આ હુમલા માટે કોઈને જવાબદાર
ઠેરવ્યા નથી પરંતુ એક ઈરાની સાંસદે આ હુમલાઓ માટે સંયુક્ત આરબ અમીરાતને ચેતવણી આપી
હતી. અમેરિકાએ હુમલા ન કરવાની ઘોષણા કર્યાના થોડા જ સમયમાં ઈરાન પર ફરી હુમલા થયા હતા.
ઈરાનની સમાચાર એજન્સીઓ અને સરકારી મીડિયાએ બુશહર અને સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાન્ત, અહવાઝ અને ચાબહાર શહેરોને નિશાન બનાવીને કરાયેલા
હવાઈ હુમલાની જાણકારી આપી હતી. જો અમેરિકાએ હુમલા કર્યા નથી તો ચાબહાર સહિતના વ્યૂહાત્મક
સ્થળોને કોણે નિશાન બનાવ્યા તે સવાલ હાલમાં ચર્ચાઈ રહ્યો છે. ગુરૂવારે થયેલા હુમલાની
તુરંત બાદ ઈરાને મધ્યપૂર્વમાં બહેરિન, જોર્ડન, કુવૈત અને કતરને નિશાન બનાવીને હુમલાઓ કર્યા હતા. - ઈરાનની ટ્રમ્પની
હત્યા કરવાની યોજના ? : નવી દિલ્હી, તા. 10 : ઇઝરાયલે અમેરિકાને
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાના નવા ઇરાની કાવતરા વિશે ગુપ્ત માહિતી પૂરી
પાડી છે. અહેવાલો અનુસાર, ઈરાન 2020માં કાસિમ સુલેમાનીની હત્યાનો
બદલો લેવા માટે ટ્રમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, અમેરિકાએ આવા ઇનપુટની પુષ્ટિ કરી નથી. અમેરિકા
અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, એક નવા અહેવાલે સનસનાટી
મચાવી દીધી છે. અમેરિકન મીડિયા અહેવાલ અનુસાર, ઇઝરાયલે અમેરિકાને
ગુપ્ત માહિતી પૂરી પાડી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે એક નવું કાવતરું તૈયાર કરી રહ્યું છે. આ માહિતી
એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે લશ્કરી ઘર્ષણ વધુ તીવ્ર બન્યું છે. વોલ સ્ટ્રીટ
જર્નલ અને સીએનએનના અહેવાલો અનુસાર, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓએ
આ અઠવાડિયે યુએસ અધિકારીઓને ચેતવણી આપી હતી કે, ઈરાન ટ્રમ્પને
નિશાન બનાવવાની ચોક્કસ યોજના પર કામ કરી રહ્યું છે. જો કે, યુએસ
એજન્સીઓ હજુ સુધી આ ઇનપુટની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકી નથી. હેવાલમાં જણાવાયું છે
કે 2020માં યુએસ ડ્રોન હુમલામાં ઈરાની
રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી) કુદ્સ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા
બાદ ઈરાન સતત ટ્રમ્પ સામે બદલો લેવાની હાકલ કરી રહ્યું છે. ઈરાનના તાજેતરમાં માર્યા
ગયેલા સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખોમેનીના અંતિમસંસ્કાર દરમિયાન ટ્રમ્પ વિરોધી નારા
પણ લગાવવામાં આવ્યા હતા. દરમિયાન, ડોનાલ્ડ
ટ્રમ્પે પોતે કહ્યું હતું કે તેમનું નામ ઈરાનની `િહટ લિસ્ટ'માં ટોચ પર છે. તેમણે પત્રકારોને કહ્યું,
`તેઓ મને,
યુનાઇટેડ સ્ટેટ્સના નેતાને, ખતમ કરવા માંગે છે.
આજે સવારે મેં જોયું કે હું તેમની પાસે રહેલી દરેક યાદીમાં છું. હું અત્યાર સુધી નસીબદાર
રહ્યો છું, પરંતુ તે કાયમ માટે રહેશે નહીં.' જો કે, કેટલાક અમેરિકી અધિકારીઓ માને છે કે ઇઝરાયલી માહિતી
ટ્રમ્પ પર ઇરાન સામે કડક વલણ અપનાવવા માટે દબાણ કરવાનો પ્રયાસ હોઈ શકે છે. યુએસ ગુપ્તચર
સમુદાયના કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલી ઇનપુટ હજુ સુધી સંપૂર્ણ રીતે ચકાસાયેલ
નથી.