• શનિવાર, 11 જુલાઈ, 2026

માંડવી તા.માં નર્મદા પેટા કેનાલનું અધૂરું કામ પૂરું કરો

કોડાય (તા. માંડવી), તા. 10 : માંડવી તાલુકાના વિવિધ ગામોમાં નર્મદા કેનાલની પેટા કેનાલોની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનોએ માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ 24 કલાક ધરણામાં જોડાયા હતા. તાલુકા પંચાયત સભ્ય ખેરાજભાઈ ગઢવીનાં માર્ગદર્શન હેઠળ આજુબાજુના પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો માંડવી મામલતદાર કચેરીએ એકત્ર થઇ `પાણી આપો, પાણી આપો' સૂત્રોચ્ચાર કરી પોતાની માંગ રજૂ કરી હતી.  આગેવાનોએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. હાલ સમગ્ર કચ્છમાં વરસાદ ન પડતાં ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ છે. આવી પરિસ્થિતિમાં નર્મદાનું પાણી ખેડૂતો માટે એકમાત્ર આશાનો આધાર હોવાનું ઉમેર્યું હતું. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલની પેટા કેનાલોની અધૂરી કામગીરી પૂર્ણ કરી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા યોગ્ય કાર્યવાહી કરાય તેવી  માંગ કરી હતી.  શ્રી ગઢવી સહિતના આગેવાનો માંડવી મામલતદાર કચેરી સામે 24 કલાકનાં ધરણા પર બેઠા છે અને ચીમકી આપી હતી કે, જો ખેડૂતોની વાજબી માગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ખેડૂતો સાથે આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ  ધરાશે.  

Panchang

dd