દયાપર (તા. લખપત), તા. 10 : તાલુકાના
મુખ્ય મથક દયાપર ખાતે ઐતિહાસિક બાયાંસર તળાવના બ્યૂટીફિકેશન માટે ગ્રામ પંચાયત દ્વારા
એક કરોડની દરખાસ્ત કરાઇ હતી, જેમાં
રાજ્ય સરકાર દ્વારા 20 લાખની રકમ
મંજૂર કરાતાં ટેન્ડર બહાર પડયા હતા અને તાલુકાની જ એક એજન્સીને 28 ટકા ઓછા ભાવ હોતાં ટેન્ડર મળી
ગયું હતું. 20 લાખમાંથી 28 ટકા ઓછા ભાવ હોતાં 5,60,000ની રકમ બાદ થતાં સાડા 14 લાખનું હવે કામ કરવાનું હતું.
એજન્સીએ ટ્રેક્ટર-જે.સી.બી. રાખી આ કામ ત્વરિત પૂરું કરી દીધું, જે પાંચ લાખનું પણ માંડ હશે તેવી ફરિયાદ ઊઠી
હતી. વળી તેમાંથી નીકળતી માટી પણ રૂા. 250 એક ટ્રેક્ટરના ભાવે વેચવામાં આવી હોવાની પણ ચર્ચા થઇ રહી છે.
તળાવના 50 ટકાથી ઓછા વિસ્તારમાં ખોદકામ
કરાયું અને પાળ ઉપરની ઝાડી કટિંગનું કામ થયું. આટલા સામાન્ય કામના સાડા 14 લાખ...! આવા એસ્ટિમેન્ટ બનાવનારા
કોન્ટ્રાક્ટરને અનુકૂળ કામ આપનારા અધિકારીઓ સામે પણ શંકાની સોય તાકવામાં આવી છે. ખરેખર
તો આ તળાવના ફરતે લાઇટિંગ, પાળ ઉપર બેન્ચિસ,
મોટાપાયે વૃક્ષારોપણ જેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. ફક્ત તળાવને સામાન્ય
રીતે ખોદકામ કરી એજન્સીએ સરકારને ચૂનો લગાડી દીધો છે. વળી એજન્સી અને અધિકારીઓ વરસાદની
રાહ જોઇ રહ્યા છે, જેથી તળાવમાં પાણી ભરાઇ જાય અને બધું છાનુમાનું
છૂપાઇ જાય. વરસાદ પહેલાં આ કામની યોગ્ય તપાસ થાય તેવી માંગ ઊઠી છે.