ભુજ, તા. 21 : અહીંની કચ્છી લેવા પટેલ એજ્યુકેશન
એન્ડ મેડિકલ ટ્રસ્ટ, સંચાલિત માતુશ્રી
આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે `ટ્રાફિક સુરક્ષા અને જાગૃતિ' વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
હતું. આજના ડિજિટલ અને ઝડપી યુગમાં શારીરિક તેમજ માર્ગ સુરક્ષા આપતા આ સમયાનુકૂળ કાર્યક્રમને
સંસ્થાના ટ્રસ્ટી મંડળે બિરદાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા અને જિલ્લા
ટ્રાફિક ભુજના પીએસઆઇ રાજેશ વી. જોષીએ ઉપસ્થિતોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને
માર્ગ સુરક્ષા જાળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમણે ખાસ અપીલ કરતાં
જણાવ્યું કે, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને ફોર વ્હીલર
ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાનો
જીવ બચાવવા માટે કરવો અનિવાર્ય છે. વાહન ચલાવતી વખતે ક્યારેય પણ મોબાઇલ ફોનનો ઉપયોગ
કરવો જોઇએ નહીં. આ સાથે સિટી ટ્રાફિકના પીએસઆઇ દક્ષાબેન બી. લાખણોત્રા પણ ઉપસ્થિતોને
ટ્રાફિક વ્યવસ્થા તેમજ શિસ્ત અંગે સંબોધન કર્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ
અને ટ્રસ્ટીઓ દ્વારા ટ્રાફિકને લગતા વ્યવહારુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના પોલીસ અધિકારીઓએ સચોટ જવાબો આપ્યા હતા, જેમાં લાયસન્સ
અને કાયદાકીય નિયમો તથા ટ્રાફિક સાઇન્સ અને રોડ સેફ્ટી તેમજ સામાન્ય ગેરસમજો અને દંડ
અંગે પ્રશ્નોની છણાવટો થઇ હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ અને મિત્રોને ટ્રાફિક
નિયમો પ્રત્યે કેવી રીતે જાગૃત કરી શકે તેમજ રસ્તા પર ભયજનક ડ્રાઇવિંગ કરનારાઓની પોલીસને
ઓનલાઇન ફરિયાદ કેવી રીતે કરવી તેની સમજ અપાઇ હતી. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સેક્રેટરી
મનજીભાઇ પિંડોરિયા, ખજાનચી વિનોદભાઇ પિંડોરિયા, વિદ્યાધામના સંચાલક રામજીભાઇ સેંઘાણી અને દાતા-ટ્રસ્ટી લક્ષ્મણભાઇ રાઘવાણી
ઉપસ્થિત રહ્યા હતા. સંકલનમાં કો-ઓર્ડિનેટર એમ. આઇ. બાયડ રહ્યા હતા. સંચાલન આચાર્યા
કોમલબેન ઠક્કર તેમજ ગૃહપતિ ભરતભાઇ જોશી દ્વારા થયું હતું. શાળાના શિક્ષકગણ તેમજ ટીમ
સહયોગી બની હતી.