• સોમવાર, 22 જૂન, 2026

ફિઝિયોથેરાપીની મદદથી ભુજના યુવાનને રોજિંદા જીવનકાર્ય માટે સ્વાવલંબી બનાવાયો

ભુજ, તા. 21 : અદાણી સંચાલિત ગેઈમ્સ-જી. કે. જનરલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગે યુવાનને  સ્પાઈનલ ફ્રેકચરના ઓપરેશન પછી ફિઝિયોથેરાપી આપી રાજિંદા જીવનકાર્ય માટે સ્વાવલંબી બનાવ્યો હતો. કરોડરજ્જુ જેવી જટિલ સર્જરી પછી ફિઝિયોથેરાપી  મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે, કેમ કે, કરોડરજ્જુને ટેકો આપતી આજુબાજુની માંસપેશીઓને ફિઝિયોથેરાપી સક્રિય અને મજબૂત કરે છે, જકડન દૂર કરે છે અને વ્યક્તિને સામાન્ય જીવન જીવવા માટે મદદરૂપ બને છે, આવું જ સામાન્ય જીવન જીવવા ભુજના  યુવાન માટે  ફિઝિયોથેરાપી સાચા અર્થમાં સહારો બની છે. ભુજના 19 વર્ષીય યુવાન અક્ષય મઢવીને અકસ્માત બાદ કરોડરજ્જુનું ઓપરેશન કરાવ્યા પછી, રાજિંદું જીવન જીવવા ખૂબ જ મુશ્કેલી પડતી હતી. હાલવા-ચાલવા વ્હીલચેર  સહારો હતો, પરંતુ અદાણી સંચાલિત ગેઈમ્સ-જી.કે. જનરલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી કરાવ્યા બાદ માત્ર 10 દિવસમાં પરાવલંબી જીવનને બદલે સ્વાવલંબી બની ગયો અને વ્હીલચેરમાં આવતો યુવાન ફિઝિયોથેરાપી બાદ આજે કોઈ પણ સહારા વિના આવે જાય છે, સ્કૂટર પણ ચલાવી  શકે છે. હોસ્પિટલના ફિઝિયો-થેરાપિસ્ટ ડો. સૌમ્ય ગોરના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ સ્પાઈનલ ફ્રેકચર્સના ઓપરેશન પછીની  ફિઝિયોથેરાપી માટે અત્રે વહીલચેરથી આવ્યા હતા. ફૂટ ડ્રોપ અર્થાત્ પગનો પંજો ઊપડે નહીં અને ઘસડાઈને ચાલવું પડે તેવી સ્થિતિમાં શરીરને સમતોલ રાખવાની પણ સમસ્યા હતી, તેવી જટિલતા વચ્ચે ફિઝિયોથેરાપિસ્ટ ડો. પૂજા ગોર, ડો. અદિતિબા ચુડાસમા અને ડો. દીતિ વેકરિયાના સહકારથી યુવાનની સારવાર શરૂ કરવામાં આવી હતી. ફિઝિયોથેરાપીમાં ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન સારવારનો ઉપયોગ પગના મોટર પોઈન્ટ્સ પર કરવામાં આવ્યો હતો. આ અદ્યતન ટેકનિક દ્વારા નબળા પડી ગયેલા સ્નાયુઓને ફરીથી સક્રિય કરવામાં આવ્યા, જેના કારણે પગની ગતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. આ ઉપરાંત ગેઇટ ટ્રાનિંગ, બેલેન્સ ટ્રાનિંગ, સ્નાયુ મજબૂતીકરણ  એક્સરસાઇઝ, ન્યુરોમસ્ક્યુલર રી-એજ્યુકેશન અને કાર્યાત્મક તાલીમ જેવી વિવિધ ફિઝિયોથેરાપી આપવામાં આવી હતી. માત્ર 10 દિવસની નિયમિત અને વૈજ્ઞાનિક ફિઝિયોથેરાપી બાદ સુધારો નોંધાયો અને વ્હીલચેરના સહારા વગર યુવાને  સ્વતંત્ર રીતે ચાલવાનું શરૂ કર્યું પરિણામે સંતુલન પણ વધ્યું અને ફૂટ ડ્રોપની સમસ્યામાં પણ ઘણો ઘટાડો થયો. ડો. સૌમ્ય ગોરે કહ્યું કે, ફિઝિયો વિભાગના યોગ્ય મૂલ્યાંકન, દર્દીની સતત મહેનત અને વૈજ્ઞાનિક ફિઝિયોથેરાપી અભિગમ દ્વારા ઘણા ન્યુરોલોજિકલ દર્દીઓમાં ઝડપથી અને અસરકારક સુધારો મેળવી શકાય છે. 

Panchang

dd