ગાંધીધામ, તા. 21 : ગાંધીધામના 9/એ-ઇ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં
આવેલો એમ્યુઝમેન્ટ પાર્ક શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. સવારે 9 વાગ્યાથી પાર્કના ગેટ ઉપર અલીગઢી તાળું
મારી દેવામાં આવતાં લોકો માટે મનોરંજન સ્થળ દોહલું બની ગયું છે. આ બગીચો સવારે પાંચ
વાગ્યે ખોલવામાં આવે છે અને સવારના 9 વાગ્યે બંધ કરીને તાળું મારી દેવામાં આવે છે. ત્યાર પછી સાંજે
5:00 વાગ્યે ખોલવામાં આવે છે અને
રાત્રિના આઠ વાગ્યે ફરીથી બગીચો બંધ કરી દેવામાં આવે છે. જે વહેલી સવાર સુધી બંધ રાખવામાં
આવે છે. આ બગીચાની દેખરેખ માટે એજન્સીને દર મહિને હજારો રૂપિયાનું ચુકવણું કરવામાં
આવે છે. એજન્સી દ્વારા ત્યાં સુરક્ષાકર્મી રાખ્યા છે. તેઓ પરિવાર સાથે ત્યાં બગીચામાં
જ રહે છે તેમ છતાં દિવસ દરમિયાન આ બગીચાને તાળું મારી દેવામાં આવતા કરોડો રૂપિયાનો
બગીચો શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. તેમજ નાના નાના બાળકો, વડીલો અને વયોવૃદ્ધ લોકો માટે મનોરંજન સ્થળ
દોહલું બન્યું છે. બગીચો લોકોના મનોરંજન માટે બનાવવામાં આવે છે. કરોડો રૂપિયાનો ખર્ચો
કરીને બનાવેલા પાર્કને તાળું મારીને જ રાખવાનું હોય તો કરોડ રૂપિયા ખર્ચવાની શું જરૂર
હતી. આ બગીચામાં યોગા હોલ, થિયેટર જે હજી સુધી કાર્યરત થયું નથી.
આવી અનેક અવ્યવસ્થાઓ છે. આસપાસમાં શાળાઓ છે. મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો આ મનોરંજન
સ્થળનો લાભ લઈ શકે તેમ છે પરંતુ સત્તાધીશો અને એજન્સી આ બગીચાને તાળું મારીને રાખતી
હોવાથી નાના બાળકોને મનોરંજનનો લાભ મળતો નથી. જે હેતુ માટે આ બગીચો બનાવવામાં આવ્યો
છે તે હેતુ સાર્થક થતો નથી. પરિણામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. - બગીચામાં
અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનો તર્ક : એમ્યુઝમેન્ટ પાર્ક દિવસ દરમિયાન બંધ રાખવામાં આવે છે અને તેની
પાછળ બગીચામાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનો તર્ક અપાય છે. પરંતુ બગીચાનું સંચાલન
એજન્સીઓને સોપાયું હતું અને હાલ પણ સોપાયેલું છે. અહીં સુરક્ષાકર્મી રાખવામાં આવે છે
અને તે 24 કલાક ત્યાં જ રહે છે તેમ છતાં
જો આવી ઘટનાઓ થતી હોય તો તે ચિંતાજનક છે. વહીવટી તંત્ર તેની સમીક્ષા કરવી જોઈએઁ. આવી
ઘટનાઓથી બગીચાને તાળું મારીને રાખવું યોગ્ય નથી. તંત્ર તાકીદે પગલાં ભરે તેવી માંગ
લોકોએ કરી હતી. - શિવાજી-ટાગોર
પાર્કનાં કામો અધૂરાં : શહેરની મધ્યમાં
આવેલો શિવાજી પાર્ક બગીચો અને ટાગોર પાર્કનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું
છે. એજન્સી ગોકળગાયની ગતિએ કામ કરે છે. સમય મર્યાદા વીતી ગઈ છે તેમ છતાં કામ પૂર્ણ
થયું નથી. છતાં એન્જિનિયરો અને વહીવટી તંત્ર કોન્ટ્રાક્ટર ઉપર મહેરબાન છે. કોઈ પગલાં
ભરવામાં આવતા નથી. પરિણામે લોકો માટે મનોરંજન સ્થળ દોહલું બન્યું છે.