મહેન્દ્ર ભાનાણી દ્વારા : ભુજ, તા. 21 : કચ્છની ઓળખ માત્ર રણ, દરિયો અને લોકસંસ્કૃતિ પૂરતી મર્યાદિત નથી.
કચ્છની ઓળખમાં ઊંટ અને ઊંટપાલક માલધારી સમુદાયનું પણ એટલું જ મહત્ત્વનું સ્થાન છે.
કચ્છમાં જાડેજા રાજવંશના શાસનકાળ દરમિયાન ઊંટોનું વિશેષ મહત્ત્વ હતું. વિશાળ રણપ્રદેશ,
લાંબા અંતરના પ્રવાસ, સૈન્ય વ્યવસ્થા અને સરહદી
સંદેશાવ્યવહાર માટે ઊંટો અનિવાર્ય ગણાતા હતા.
રાજદરબારમાં ખાસ જાતિના મજબૂત, ઊંચા અને સહનશક્તિ ધરાવતા
ઊંટો રાખવામાં આવતા, જેને લોકભાષામાં `રાવરી ઊંટો' તરીકે ઓળખવામાં આવતા. `રાવ'
શબ્દ કચ્છના રાજવી શાસકો માટે વપરાતો હોવાથી રાજદરબારના ઊંટોને આ નામ
મળ્યું હોવાનું માનવામાં આવે છે. રાજવી કાફલાઓ, શિકાર યાત્રાઓ,
રાજદૂતોના પ્રવાસ તેમજ સરહદી વિસ્તારોમાં સંદેશાવ્યવહાર માટે આ ઊંટોનો
વ્યાપક ઉપયોગ થતો હતો. ઊંટોની દેખરેખ અને ઉછેરનું કાર્ય મુખ્યત્વે રબારી, ફકીરાણી જત અને અન્ય માલધારી સમુદાયો સંભાળતા હતા. કચ્છના રાવરી ઊંટો મૂળ કચ્છી
ઊંટોની ઉત્તમ વંશરેખા સાથે જોડાયેલા માનવામાં આવે છે. તેમની વિશેષતાઓમાં લાંબા અંતર
સુધી સતત ચાલવાની ક્ષમતા, કઠોર રણપ્રદેશમાં ટકી રહેવાની શક્તિ,
ઓછી પાણીની ઉપલબ્ધિમાં જીવનનિર્વાહ કરવાની ક્ષમતા, મજબૂત શરીર અને ઝડપી ગતિનો સમાવેશ થાય છે. કચ્છના રાજવીઓ માટે ઊંટપાલકો હંમેશાં
મહત્ત્વના રહ્યા હતા. આજે વન અધિકાર અને ચરિયાણ માટે સરકારી કચેરીઓના ચક્કર કાપતા ઊંટપાલકો
માટે રાજાશાહીનો સમય એક પ્રકારનો સુવર્ણ યુગ ગણાય છે. તે સમયગાળામાં રબારી માલધારીઓને
અબડાસાના બેટોમાં ચરિયાણના અધિકારો આપવામાં આવ્યા હતા, જેના પુરાવા
આજે પણ ઉપલબ્ધ છે. કચ્છનાં ગામોમાં પણ પશુઓ માટે `રખાલ'
તરીકે ઓળખાતી ચરિયાણની અનામત જમીનો રાખવામાં આવતી હતી. ઈ.સ. 1791માં કચ્છના મહારાવે અબડાસાનાં
લેયારી ગામના માલધારીઓને ઊંટોને ચેરનાં જંગલોમાં ચરાવવા માટે અધિકારપત્ર આપ્યાનો ઉલ્લેખ
મળે છે. આવા ઐતિહાસિક દસ્તાવેજો આજે પણ કેટલાક પશુપાલક પરિવારો પાસે સાચવાયેલા છે.
1950 સુધી ભચાઉ અને અબડાસાના ઊંટપાલકો
નજીવી ફી ચૂકવીને ચરિયાણનો લાભ લઈ શકતા હતા. કચ્છથી જામનગર રાજ્યની સ્થાપના સાથે પણ
ઊંટપાલકોનો સીધો સંબંધ રહ્યો હતો. જામ રાવળના સમયમાં કચ્છના અનેક માલધારી પરિવારો હાલાર
વિસ્તારમાં વસવાટ કરવા ગયા હતા. રાજપરિવાર અને ઊંટપાલકો વચ્ચે વિશ્વાસ અને લાગણીનો
સંબંધ હતો. કેટલાક વડીલ ઊંટપાલકોના જણાવ્યા મુજબ સમયાંતરે રાજપરિવારના સભ્યો ઊંટોનાં
ધણોની મુલાકાત પણ લેતા હતા. ઊંટપાલકોને માત્ર પશુપાલક નહીં, પરંતુ રાજ્યના વિશ્વાસુ સહયોગી અને સરહદી જીવનના
સંરક્ષક તરીકે માન આપવામાં આવતાં હતાં. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કચ્છના
ખારાઈ ઊંટો માટે જીવનદાયી એવા બેટ વિસ્તારોમાં સમયાંતરે વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂકવામાં
આવે છે. ચરિયાણના વિસ્તારો સતત ઘટી રહ્યા છે. એક સમય હતો, જ્યારે માત્ર ટુંડાવાંઢ વિસ્તારમાં જ અંદાજે
3000 જેટલા ખારાઈ ઊંટો હતા, જ્યારે આજે સમગ્ર કચ્છ માં ખારાઈ ઊંટની સંખ્યા 1000થી પણ ઓછી હોવાનું ઊંટપાલકો જણાવે છે. ખારાઈ ઊંટો હવે લુપ્ત
થવાના આરે પહોંચી ગયા છે. રાજાશાહીના સમયમાં
માન, સન્માન અને ચરિયાણના અધિકારો ભોગવતા ઊંટપાલકો
આજે પોતાના પરંપરાગત હક્કો માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઊંટ માત્ર પશુ નથી; તે કચ્છની સંસ્કૃતિ, પર્યાવરણ અને માલધારી જીવનશૈલીનો
અભિન્ન હિસ્સો છે. જો ઊંટો અને તેમના ચરિયાણનું સંરક્ષણ નહીં થાય, તો કચ્છના એક અનમોલ વારસાને ગુમાવવાનો વારો આવી શકે છે.