• શનિવાર, 06 જૂન, 2026

`અદાણી વન' પહેલ હેઠળ 25 વિસ્તારો વિકાસાવાયા

મુંદરા, તા. 4 : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ, હરિયાળો વિકાસ અને સ્થાયી ભવિષ્ય માટેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં મુંદરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન સફળતાપૂર્વક અમલમાં મુકાયું છે. ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલી `અદાણી વન' પહેલ કચ્છનાં ગામોમાં પર્યાવરણ પુન: સ્થાપન અને જૈવવૈવિધ્ય વધારવાનું મહત્ત્વપૂર્ણ સાધન બની છે. આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં 25 અદાણી વન વિસ્તારો વિકસાવવામાં આવ્યા છે, જેમાંથી 20 અદાણી વન સ્થળો સીધા ગામ સ્તરે તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ સ્થળોએ મળી આશરે 1,56,951 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે, જે કુલ 76.5 એકર જમીનમાં ફેલાયેલા છે. `અદાણી વન' પહેલ ગામમાં કુદરતી જંગલ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં મદદરૂપ બને છે, જેમાં વિવિધ પ્રજાતિનાં વૃક્ષો અને છોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અદાણી ફાઉન્ડેશને ગામોમાં આવેલ શાળાઓ, હોસ્પિટલો, સમાજવાડી, મંદિરો અને અન્ય જાહેર સ્થળોએ પણ વિશાળ સ્તરે વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ હાથ ધરેલી છે. આ વિભાગ હેઠળ અત્યાર સુધીમાં 1,08,766 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે, જેનાં પરિણામે સમાજમાં હરિયાળો વિસ્તાર વધારવાની સાથે પર્યાવરણ અંગે જાગૃતિ પણ વધારવામાં સફળતા મળી છે. આ તમામ પહેલોના પરિણામ સ્વરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા વિસ્તારમાં કુલ 2,64,817 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, આગામી વર્ષ 2026-27 માટે અદાણી ફાઉન્ડેશને વધુ વિસ્તૃત આયોજન તૈયાર કર્યું છે, જેમાં 8 નવા અદાણી વન વિકસાવવામાં આવશે તેમજ 40,000થી વધુ વૃક્ષોનું રોપણ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત તા. 06 જૂનના વાંકી ગામ, મુંદરા ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક ગ્રામજનો, યુવાનો, મહિલાઓ, શાળા-વિદ્યાર્થીઓ તથા અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ જોડાશે. આ પર્યાવરણીય કામ માટે મુંદરા તાલુકાના નાના કપાયા, બોરાણા, દેશલપર, ઝરપરા, મોટી ભુજપુર, નાની ખાખર, મોટી ખાખર, વિરાણિયા રામાણિયા, બેરાજા, વાંકી, ટુંડા, મોટા કાંડાગરા, અંજાર તાલુકાના વીરા ગામ અને ભુજના ખાવડા અને તુગા દયાપરના જાડવાગામ અને નખત્રાણા ઉગેડી વગેરે ગ્રામ પંચાયતો અને ગ્રામજનોના  સહકારથી સફળતા મળી છે. 

Panchang

dd