ભુજ, તા. 4 : પર્યાવરણનું સંવર્ધન જેમનો
વ્યવસાય જ નથી પણ શોખ અને મિશન પણ છે એમનું નામ છે યુનિસ અબ્દુલ્લાભાઈ સમા. ભુજના યુનિસભાઈ
કચ્છના અલગ અલગ વિસ્તારોમાં અત્યાર સુધી સેંકડો વૃક્ષનું વાવેતર કરી ચૂક્યા છે અને દરરોજ તેમાં વધારો થઈ રહ્યો છે. પર્યાવરણની
ઉપેક્ષાનાં માઠાં પરિણામો આપણે ભોગવી રહ્યાં છીએ અને તેનું સંવર્ધન માત્ર સરકારી તંત્રો
કે સંસ્થાઓનું જ કામ નથી, અને નાગરિકોએ
પણ તેમાં યથાયોગ્ય યોગદાન આપવું જ પડશે અને યુનિસભાઈ જેવા પર્યાવરણના મિત્રો અનુસરણીય
છે. ભુજમાં ગુલફામ નર્સરી ચલાવતા યુનિસભાઈ શાળાઓ, દરગાહ,
મંદિર, મસ્જિદ સહિત અનેક જગ્યાઓ પર સ્વખર્ચે બગીચા
વિકસાવી ચૂક્યા છે. બકાલી સમુદાયના હોવાને લીધે વાડીઓ અને વૃક્ષોનું સંવર્ધન તેમનો
વંશપરંપરાગત વ્યવસાય છે. તેમના પિતા અબ્દુલ્લાભાઈ આકાશવાણીમાં માળી તરીકે ફરજ બજાવતા
હતા અને તેમના પુત્રએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં
હોર્ટિકલ્ચર વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવી છે. યુનિસભાઈ કહે છે કે,
હું પરિવાર સાથે કોઈ જગ્યાએ
કે પિકનિક પર જાઉં ત્યારે ઝાડના રોપા તો સાથે લઈ જ જાઉં છું. પરિવારના સભ્યોને
પણ આ મિશનમાં સામેલ કરું છું. પરિવાર અને મિત્રોમાં
કોઈનો જન્મદિવસ હોય ત્યારે જેટલામો જન્મદિન
હોય તેટલા રોપા વાવીએ. હું જ્યાં ભણ્યો એ પાટવાડી નાકાની શાળા નંબર એકમાં ઉપરાંત પાટવાડીના
કબ્રસ્તાન પાસે, મકનપર ધોંસામાં મહાદેવ મંદિર સંકુલ સહિત અનેક
સ્થળે મેં સ્વખર્ચે વૃક્ષો વાવ્યાં છે અને બગીચો ડેવલોપ કર્યો છે. મુસ્લિમ એજ્યુકેશન
સ્કૂલમાં પણ રાહતદરે ગાર્ડન વિકસાવ્યું છે.
બાકી નર્સરીનો વ્યવસાય હોવાથી પ્રોફેશનલી તો ઘણાં કામ ચાલતા હોય છે. ભુજમાં પોલીસના ગ્રાઉન્ડમાં તૈયાર થઈ રહેલા ફૂટબોલના
મેદાનમાં ઘાસનું કામ ચાલુ છે. મસ્કામાં ક્રેકેટ એકેડેમીના સંકુલમાં પણ ગ્રાઉન્ડ વિકસાવવાનું છે. રોપાં વાવીને
પછી તેની જાળવણી પણ અમે કરીએ છીએ. ઘણાં સ્થળે આજે 30થી 40 ફૂટ ઊંચા વૃક્ષો ઊભા થઈ ગયાં છે. યુનિસભાઈ કહે છે કે છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ઝાડ કે ફૂલના છોડને
લઈને જાગૃતિ વધી છે. હવે તો ઘણા લોકો પોતાનાં આંગણામાં ગાર્ડન જેવું બનાવડાવે છે, સારા છોડ વાવે છે.