ભુજ, તા. 4 : વર્ષ 2025ના ઓગસ્ટ માસમાં પાંચ રૂપિયાની
લાલચ આપી સાડા પાંચ વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના કેસમાં બાવન વર્ષીય આરોપી
નરાધમ એવા બળદેવપુરી ઉર્ફે બળુ દયાલપુરી ગુંસાઇ (રહે. મોટી તુંબડી)ને સ્પે. અદાલતે
20 વર્ષની સખત કેદ તથા 20 હજારના દંડની સજા આપતો ધાક
બેસાડતો ચુકાદો આપ્યો છે. આ હીન કૃત્ય અંગે ગત તા. 10/8/25ના પ્રાગપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીના સાડા
પાંચ વર્ષના સગીર દીકરાને જાતીય સતામણીના બદ ઇરાદાથી આરોપી બળદેવપુરી ઉર્ફે બળુ દયાલપુરી
ગુંસાઇ (રહે. મોટી તુંબડી) પાંચ રૂપિયા આપવાની લાલચ આપી ઘરે લઇ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું
કૃત્ય કરવાનો પ્રયત્ન કરી શારીરિક અડપલાં કરી જાતીય સતામણીની ફરિયાદ નોંધાઇ હતી. પી.આઇ.
ડી. ડી. શિમ્પીએ તપાસના અંતે પૂરતા પુરાવાના આધારે અદાલત સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસ ભુજની સ્પે. અદાલતમાં જજ જે.એ. ઠક્કર સમક્ષ ચાલી જતાં ફરિયાદ પક્ષે 15 દસ્તાવેજી પુરાવા તથા 12 સાક્ષી તપાસી વિવિધ કલમોમાં
આરોપી બળદેવપુરીને તક્સીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા કુલ રૂા. 28 હજારનો દંડ અને દંડ ન ભરે તો
વધુ દોઢ વર્ષની કેદની સજાનો ધાક બેસાડતો હુકમ કર્યો છે. કોર્ટે ભોગ બનનારને રૂા. ચાર
લાખનું વળતર ચૂકવવા ડીએલએસએને ભલામણ કરવા તથા ભોગ બનનારનો સંપર્ક કરી તેનું જીવન અને
શિક્ષણ સારી રીતે પુન: સ્થાપિત થાય તેની કાળજી લઇ યોગ્ય માર્ગદર્શન આપવા સી.ડબલ્યુ.સી.
તથા ડી.સી.પી.યુ.ને હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ
એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી. ભોગ બનનારના કાયદા સહાયક
તરીકે એડવોકેટ માલશ્રીબેન ટી. ગઢવી હાજર રહ્યા
હતા.