અમદાવાદ, તા. 4 અમારા (પ્રતિનિધિ તરફથી) : ગુજરાતની રાજ્યસભા
ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચાર ઉમેદવારોના નામ જાહેર કરતાં રાજ્યના
રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ વખતે ભાજપે `નો રિપીટ થિયરી' અમલમાં મૂકી છે. એટલે કે હાલના કોઈપણ રાજ્યસભા સાંસદને ફરીથી ઉમેદવારી આપવામાં
આવી નથી અને નવા ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા
ઉમેદવારોમાં રાજુભાઈ શુકલા, જીતેન્દ્ર કણજારિયા, મુકેશ રાઠવા અને માનાસિંહ પરમારનો સમાવેશ થાય છે. ચારેય નામોની જાહેરાત સાથે
જ સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટી આગામી સમયમાં નવા નેતૃત્વને આગળ લાવવાની દિશામાં આગળ
વધી રહી છે. જો કે, ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાને
જોતા ચારેય બેઠક પર ભાજપ બિનહરીફ ચૂંટાય તેવી પૂરી શક્યતા છે અને ચૂંટણી મોટાભાગે ઔપચારિક બની રહેવાની
સંભાવના છે. ભાજપે અરુણાચલ પ્રદેશથી તાઈ ટાગકને ઉમેદવાર બનાવ્યા છે. મધ્યપ્રદેશથી તરુણ
ચુઘ અને રજનીશ અગ્રવાલને, મણિપુરથી એ. શારદી દેવીને અને રાજસ્થાનથી
ડો. અલ્કા ગુર્જર અને સતીશ પુનિયાને ઉમેદવાર બનાવ્યા છે. ઓડિસાથી દેબાશિષ સામંતરાય
પાર્ટીના ઉમેદવાર હશે. સૌથી ખાસ વાત એ છે કે ચારમાંથી ત્રણ ઉમેદવારો સૌરાષ્ટ્ર વિસ્તાર
સાથે જોડાયેલા છે. રાજુભાઈ શુકલા, જીતેન્દ્ર કણજારિયા અને માનસિંહ
પરમાર સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે મુકેશ રાઠવા
મધ્ય ગુજરાતમાંથી આવે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપે સૌરાષ્ટ્રને વિશેષ
મહત્વ આપીને પ્રદેશના સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં લીધા છે. છેલ્લા કેટલાક
વર્ષોમાં સૌરાષ્ટ્ર ભાજપ માટે મહત્વનો રાજકીય વિસ્તાર રહ્યો છે અને પાર્ટી આ વિસ્તારની
મજબૂત પકડ જાળવી રાખવા માંગે છે. ભાજપે જાહેર
કરેલા ઉમેદવારોમાં રાજુભાઈ શુકલ કડી ભાજપના દિગ્ગજ કાર્યકર છે અને સુરેન્દ્રનગરના પ્રભારી
છે. જીતેન્દ્ર કંજારિયા દ્વારકા જિલ્લામાં ભાજપના મોટા કાર્યકર છે. તેઓ સામાજિક અને
રાજકીય કાર્યક્રમોમાં સક્રિય હોય છે. તેઓ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈના પુત્ર
છે. આ ઉપરાંત તેઓ દ્વારકા જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન પણ રહ્યાં
છે. માનાસિંહ પરમારની વાત કરવામાં આવે તો તેઓ ગીર સોમનાથના વતની છે. હાલમાં તેઓ ભાજપના
બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સક્રિય છે.
મુકેશ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના મહામંત્રી છે. ભાજપે આ વખતે ગુજરાતમાં બ્રાહ્મણ, આદિવાસી, રાજપૂત અને ઓબીસી સમાજમાંથી ઉમેદવારોની પસંદગી
કરી છે. ખાસ કરીને આ વખતે ભાજપે એક પણ મહિલાને તક આપી નથી. હાલમાં રાજ્યસભામાં ગુજરાતનું
પ્રતિનિધિત્વ કરતા ભાજપના નરહરિ અમીન, રમીલા બારા અને રામ મોકરિયાનો
કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે કાર્યકાળ પૂર્ણ થતા નેતાઓને ફરી તક મળવાની
શક્યતા રહેતી હોય છે, પરંતુ આ વખતે ભાજપે નવા ચહેરાઓને તક આપવાનો
નિર્ણય લીધો છે. આ નિર્ણયને પાર્ટીની લાંબા ગાળાની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો
છે. નવા નેતાઓને સંસદમાં મોકલીને પાર્ટી સંગઠન અને સરકાર વચ્ચે નવી ઊર્જા લાવવા માંગે
છે. જો કે પાર્ટી સામાજિક સમીકરણો અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર નિર્ણય લીધો
હોવાનું મનાય છે. ચૂંટણી બાદ રાજ્યસભામાં ગુજરાત કોટામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ
ઘટીને શૂન્ય થઈ જશે, જ્યારે ભાજપનું
સંખ્યાબળ વધુ મજબૂત બનશે. અત્રે ઉલ્લેખનીય
છે કે, ગુજરાત રાજ્યમાંથી
ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની બેઠકોની મુદત આગામી તા.21-06-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ
ખાલી પડનારી ચાર બેઠકો ભરવા માટે તા. 18.6.2026ના ચૂંટણી યોજાશે.