• શનિવાર, 06 જૂન, 2026

બોર્ડર રેન્જનું વિભાજન; કચ્છ સાથે મોરબી જોડાયું

ભુજ / અમદાવાદ, તા. 4 : સીમાલક્ષી ગુનાખોરી અને સરહદી વિસ્તારની સલામતી વધુ મજબૂત અને અસરકારક બનાવવાના હેતુ તેમજ વિશાળ ભૌગોલિક વિસ્તારને લઈને ગુજરાતના ગૃહ વિભાગે બોર્ડર રેન્જનું વિભાજન કરી નવી બનાસકાંઠા રેન્જ રચવા અંતિમ ટચ આપ્યો છે. હાલ બોર્ડર રેન્જ પશ્ચિમ કચ્છ ભુજ અને પૂર્વ કચ્છ ગાંધીધામમાં મોરબી જિલ્લાનો સમાવેશ થયો છે. આ નિર્ણયથી રાજ્ય પોલીસ દળની ત્રણ રેન્જના માળખાંમાં બદલાવ આવ્યો છે. સમયની સાથેસાથે ગુનાખોરીની ગંભીરતા- પરિમાણો પણ બદલાઈ રહ્યાં છે ત્યારે તેને પહોંચી વળવા પોલીસિંગના પરિમાણોમાં પણ ફેરફારો આવ્યાં છે. પાકિસ્તાન જેવા દુશ્મન દેશ - રાષ્ટ્રની સરહદને અડીને આવેલાં કચ્છ અને બનાસકાંઠાની સીમાને વધુ સુદૃઢ બનાવવાના હેતુ સાથે બોર્ડર રેન્જનું વિભાજન નવી રચના-દરખાસ્તને વિધિવત મહોર મારી દેવાઈ છે. તો આ અંગેની કાર્યવાહી શરૂ કરાઈ છે. નવી રચાયેલી બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા-પાલનપુર, પાટણ અને વાવ-થરાદ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બોર્ડર રેન્જમાં હવે પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ અને મોરબી જિલ્લાઓ રહેશે. સરકારી નોંધ મુજબ બોર્ડર રેન્જ હેઠળ કુલ 404.87 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ અને અંદાજે 238 કિલોમીટર દરિયાઈ વિસ્તાર આવતો હોવાથી તેનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ બની ગયું હતું. પરિણામ સ્વરૂપ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં અસરકારક નિરીક્ષણ અને નિયંત્રણમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. અધિકારીઓના મતે નવા પુનર્ગઠનથી સરહદી વિસ્તારોમાં પોલીસ વહીવટ વધુ સુગમ બનશે. સ્થાનિક સ્તરે નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી થશે અને સુરક્ષા વ્યવસ્થાનું મોનિટારિંગ વધુ મજબૂત બની શકશે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જેવા સરહદી વિસ્તારોમાં પોલીસ પ્રતિસાદ ક્ષમતા વધારવામાં આ નિર્ણય મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગૃહવિભાગના આ નિર્ણયને રાજ્યમાં પોલીસ તંત્રના આધુનિકીકરણ અને પ્રશાસનિક કાર્યક્ષમતા વધારવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. 

Panchang

dd