ભુજ, તા. 1 : ખેતી કે ઘરને લગતી કચ્છના તમામ લોકોની મિલકતોની
સાચવણી કરતી ડી.એલ.આઈ.આર.ની કચેરીનું વિકેન્દ્રિકરણ કરી તમામ તાલુકા મથકોએ
ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડની કચેરીઓ શરૂ કરવાનો આદેશ થતાં મોટા વિસ્તારમાં પથરાયેલા
કચ્છ માટે મોટો નિર્ણય આજે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ખાસ કરીને ધરતીકંપ બાદ
કચ્છના રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવેલી તેજીનાં પગલે જમીન વ્યવસાયમાં મોટો ઉછાળો આવ્યો
ને ખેતી હોય કે બિનખેતીની મિલકતોની કિંમતમાં મોટો વધારો થતો આવ્યો છે. પરંતુ રાજ્ય
સરકારના આજના નિર્ણયથી એક મોટી યાતનાનો અંત આવી જાય તેવી આશા બંધાઈ છે.
ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ ઈન્સ્પેક્ટરની કચેરી દ્વારા જમીન માપણીથી માંડી ઉદ્યોગ
કે પનવચક્કીઓને ફાળવાતી જમીન અંગેની તમામ હકીકતો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં
અરજદારોને કચેરીના ધક્કા સિવાય કંઈ હાથમાં આવતું નહીં, પરંતુ થોડા સમય પહેલાં ડી.એલ.આર.ના અધિકારી શ્રી રબારી દ્વારા વર્ષો જૂના
તમામ રેકર્ડને કોમ્પ્યુટરમાં સમાવી લેવામાં આવ્યા ને ડિજિટલ પ્રિન્ટો મળતી થઈ હતી.
આવેલા ઉદ્યોગોને પગલે અરજદારો પણ જાગૃત બન્યા ને પોતાની ખાસ કરીને ખેતીની જમીનોમાં
આચરાતા કૌભાંડને અટકાવવા મિલકત સંબંધી તમામ રેકર્ડ મેળવતા થયા અને મૂળ માલિકની
પાસે જમીન કેટલી છે. તેનો અસલ નકશો, ઉત્તરોત્તર નોંધો,
ટિપ્પણ, હાજીમાલી, સુડબુક
સહિતના વર્ષો જૂના રેકર્ડ મેળવવા ડી.એલ.આર.ની કચેરીએ ધક્કા ખાતા હતા. આખા કચ્છનું
ભારણ એક માત્ર કચેરી પર હોવાથી અરજદારોને પોતાના આધાર-પુરાવા મેળવવા માટે દિવસો
સુધી રાહ જોવી પડતી હતી. આજના નિર્ણયથી હવે ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ
ઈન્સ્પેક્ટરની જગ્યાએ કચ્છના 11 તાલુકામાં ઈન્સ્પેક્ટર લેન્ડ
રેકર્ડની કચેરી ઓળખાશે એટલે જિલ્લા કક્ષાનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રિકરણ કરી
દેવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યની 138 જગ્યાઓની સાથે કચ્છમાં પણ 11 જગ્યાને
તાલુકા કક્ષાએ જમીન દફતર નિરીક્ષકને મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં ભુજ
ખાતેથી સિટી સર્વે સુપરિ.નુ ભુજ શહેર ઉપરાંત જિલ્લા જમીન દફતર નિરીક્ષકને ભુજ
ગ્રામ્ય,
ગાંધીધામ હક્કચોકસી અધિકારીને નખત્રાણા, સિટી
સર્વે સુપરિ. ગાંધીધામને ગાંધીધામમાં તાલુકા નિરીક્ષક તેમજ મુંદરા, માંડવી, નલિયા, દયાપર, ભચાઉ અને રાપરમાં તાલુકા નિરીક્ષકને મૂકવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી એક માત્ર ભુજ ખાતેથી કચેરીના કારણે ક્યાંક એજન્ટ પ્રથા પણ કાયમી બની
હોવાથી આ પ્રકારના મિલકત સંબંધી ઉતારા મેળવવામાં ભ્રષ્ટાચારને પણ મોટી તક મળી
હોવાની ચર્ચા જાગી હતી. પરંતુ હવેથી દરેક તાલુકામાં જ કચેરી શરૂ થતાં તેમાં 15થી
20 જણનો
સ્ટાફ પણ મૂવામાં આવશે તેવી જાણકારી મળી હતી. સ્થાનિકે મિલકત સંબંધી તમામ ઉતારા, વિગતો પ્રાપ્ત થતાં તાલુકા કક્ષાના હજારો અરજદારોને રોજના ભુજ ખાતેના
ધક્કા ખાવામાંથી મુક્તિ મળતાં મોટો હાશકારો જોવા મળ્યો છે.