ભુજ, તા. 28 : શહેર સુધરાઇ દ્વારા કરોડોના
ખર્ચે નવાં નવાં સ્થળો વિકસાવાય તો છે પણ તેની જાણવળીની દરકાર ન લેવાતાં થોડા સમયમાં
જ માતબર ખર્ચે નિર્માણ પામેલું સુંદર સ્થળ દયનીય હાલતમાં ફેરવાઇ જાય છે. આવું જ એક
સ્થળ ખેંગારબાગથી પાટવાડી નાકા તરફ જતા માર્ગે ઇદગાહ નજીક છે.થોડાં વર્ષો પહેલાં ભુજવાસીઓ
હમીરસર તળાવના કિનારે બેસી નિરાંતની પળ માણી શકે તે માટે નગરપાલિકા દ્વારા ઉપરોક્ત
સ્થળે વિકાસકાર્યો કરાયા જેમાં બેઠક વ્યવસ્થા ઇન્ટરલોક જડીત ખુલ્લી જગ્યા, મોંઘીદાટ લાઇટો સાથે ભુજવાસીઓને નવું સ્થળ આપ્યું
પણ, થોડા દિવસ બાદ આ સ્થળની જાણવણી ન કરાતાં ગંદકી અને અસામાજિક
તત્ત્વોને અડ્ડો બની ગયું. કોઇ દેખરેખ રાખવાવાળું ન હોતાં અસામાજિક તત્ત્વો પોત પ્રકાશવા
લાગ્યા અને લાઇટો તોડી નાખી અને સ્થળ પર પાન-મસાલાની પિચકારીઓ મારી બેઠક વ્યવસ્થા બગાડી
નાખી ઉપરાંત તોડફોડ પણ કરાઇ. જે-તે સમયે આ માધ્યમ દ્વારા સ્થળની જાળવણી કરવાની ટકોર
કરતો અહેવાલ પ્રસિદ્ધ થતાં સુધરાઇએ સફાઇ સહિતના પગલાં ભર્યા, પરંતુ આજે એ સ્થળ ફરી ગંકગીથી ખદબદી રહ્યો છે અને લાઇટોના પોલ તોડી નાખી નુકસાન
પહોંચાડાયું છે. ઠેર-ઠેર પાનની પિચકારીક્ષ સુંદર સ્થળની હાલત દયનીય બની ગઇ છે. વર્ષોથી
એક બાબત ઊડીને આંખે વળગી રહી છે કે, સુંદર સ્થળો વિકસાવ્યા બાદ
કોન્ટ્રાક્ટરને ચૂકવણું કરી દીધા બાદ જાણે શાસકોની જવાબદારી પૂર્ણ થઇ જાય છે તેવું
જાગૃતોના મોઢે ચર્ચાઇ રહ્યું છે. ભુજમાં આવા અનેક સ્થળો વિકસ્યા બાદ દેખરેખના અભાવે
ગંદકી-કચરાથી ખદબદવા સાથે અસામાજિક તત્ત્વોના કૃત્યોનું ભોગ બની રહ્યા છે, જેથી જાણવણી માટે સુધરાઇ નક્કર આયોજન ઘડાય તેવી લોક લાગણી ફેલાઇ છે.