કાઠડા (તા. માંડવી), તા. 28 : દેશો વચ્ચે
યુદ્ધની પરિસ્થિતિ, મોંઘવારી,
ડીઝલ, પેટ્રોલની અછત અને અતિશય તાપના લીધે હાલમાં
ચાલી રહેલા વેકેશનમાં પ્રવાસીઓનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું હોવાનું પ્રવાસન સ્થળો પરથી
જાણવા મળ્યું છે. સ્થાનિક સિવાય કચ્છ બહારના પ્રવાસીઓ નહીંવત હોવાનું ચાલુ વર્ષે જોવા
મળી રહ્યું છે. હરવા-ફરવાના શોખીન લોકો દિવાળીના વેકેશનને વધારે પસંદ કરતા હોય છે અને
એ સમયે ફરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેતું હોય છે, પરંતુ ગરમીની
સિઝનમાં ઠંડક લેવા માંડવી દરિયાકાંઠે, નજીકમાં વિજય વિલાસ પેલેસ
તથા આજુ-બાજુના પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓનો ધસારો રહે છે, પરંતુ
ચાલુ વર્ષે ડીઝલ, પેટ્રોલની અછતનો પ્રશ્ન કારણભૂત બન્યો હોવાનો
મત પણ વ્યકત કરાયો હતો. માત્ર 30થી 40 ટકા પ્રવાસીઓ આવ્યા હોવાનું પ્રવાસન સ્થળે ધંધા-રોજગાર કરતા
લોકો પાસેથી જાણવા મળ્યું છે. અગાઉ કોરોના, વાવાઝોડાં સહિતની વિકટ પરિસ્થિતિને કારણે પણ દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન કે વાર-તહેવારે ધંધા-રોજગારના સમયે આવા પ્રશ્નો ઉદ્ભવતા હોવાથી
નિરાશા વ્યક્ત કરાઈ હતી.