• શુક્રવાર, 29 મે, 2026

કચ્છ પોસ્ટમાં સ્ટાફઘટથી સર્જાતા પ્રશ્નોની પીડા

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 28 : નાની બચત યોજનાઓના રોકાણ, ટપાલ-કવરોની ડિલિવરી, આધારકાર્ડમાં સુધારા, ગ્રામીણ વીમા યોજનાઓ સહિત અનેકવિધ કામગીરી જેણે પાર પાડવાની હોય છે એ કચ્છના પોસ્ટ વિભાગ માટે સ્ટાફની અછતની સમસ્યા જાણે કાયમી બની ગઈ છે. વિવિધ કેડરમાં સરેરાશ 40 ટકા કર્મચારીઓ - અધિકારીઓની  ગેરહાજરીને લીધે કામકાજ પર અવળી અસરની ફરિયાદો ઊઠતી રહે છે, સાથે જ કચ્છના ડાક ડિવિઝનમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક કર્મચારીઓની ઘટતી સંખ્યા વળી અલગ ચર્ચા માગી લેતો મુદ્દો છે. બહારથી આવતા કર્મચારીઓ  અને અધિકારીઓ પસંદગીનો વિકલ્પ મળ્યે સ્વાભાવિક રીતે બદલી માગી લેતા હોય છે અને સાથે જ સ્થાનિક કામકાજની કુનેહનો અભાવ અને ભાષાના પ્રશ્નો પણ સર્જાતા રહે છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષથી પોસ્ટ વિભાગમાં પણ ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન મારફત થાય છે. કમનસીબે કચ્છ-ગુજરાતના યુવાઓમાં જાગૃતિનો અભાવ છે અને આવી ભરતીઓમાં મોટે ભાગે બહારના ઉમેદવારો વધુ હોય છે. સિલેક્ટ થયા બાદ કચ્છમાં મૂકવામાં આવ્યાની જાણ થાય એટલે આ ઉમેદવારો પૈકી લગભગ 40 ટકા જેટલા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જ આવતા નથી. એટલે કે, કચ્છ આવવાનું જ માંડી વાળતા હોય છે અને નવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કે અન્ય કામ કરી લેતા હોય છે. ઉપરાંત જે કર્મચારીઓ કચ્છ આવે તેઓ દર વર્ષે બદલીના દોર વખતે સ્વાભાવિક રીતે પોતાના વતનમાં બદલી માગતા હોય છે. જો કે, સ્ટાફની સમસ્યા હોય ત્યારે તેમને બદલી મળતી જ નથી અને સિસ્ટમ જ તેમની બદલીની માગણી નકારી કાઢતી હોય છે, પણ એકંદરે આવા કર્મચારીઓ લાંબો સમય કચ્છમાં કામ કરતા નથી. સૂત્રોના આક્ષેપ મુજબ ઘણીવાર એવું બનતું હોય છે કે, સ્થાનિક કર્મચારી ન હોય ત્યારે સ્થાનિક લોકો સાથે કામ પાર પાડવામાં ભાષા-ભૂગોળના પ્રશ્નો સર્જાતા હોય છે. બેશક તમામ કર્મચારીઓ ભારતીય છે અને દેશની ભરતીના નિયમો અને પરીક્ષામાં કરેલા સારા દેખાવ મુજબ નોકરીનો તેમનો હક્ક છિનવી શકાય નહીં અને કચ્છમાં પોસ્ટિંગ મેળવારા પૈકી ઘણા બહુ સારું કામ પણ કરતા હશે, પણ  એકંદરે કચ્છ જેવા જિલ્લાઓમાં તો પોસ્ટ વિભાગમાં પણ સ્થાનિક કર્મચારીઓની વધુ નિયુક્તિનો કોઈ વ્યવહારુ ઉકેલ ઈચ્છનીય છે. કચ્છના પોસ્ટ તંત્રમાં અગાઉના વર્ષોની તુલનાએ સ્ટાફઘટ થોડી હળવી થઈ છે, પણ એકંદરે હજી પણ ચાલીસેક ટકા સ્ટાફની ઘટ છે. પોસ્ટ વિભાગની મહત્ત્વની કામગીરી બજાવતા પોસ્ટમેન અને પટ્ટાવાળા સહિતની કેડરમાં કચ્છમાં લગભગ 175નું મહેકમ છે તેની સામે અત્યારે લગભગ 117 કર્મચારી કામ કરે છે. આમ અહીં લગભગ 34 ટકા સ્ટાફ ઘટ છે. કચ્છમાં હાયર સિલેક્શન ગ્રેડમાં કોઇ પણ સિનિયર કર્મચારી ન હોવાથી અનિચ્છનીય પરંપરા જળવાયેલી છે અને હાલમાં પણ સાતેકની જગ્યા સામે કોઇ નથી ! હા, હાયર સિલેક્શન-2માં સ્થિતિ સુધરી છે. 12ના મહેકમની સામે હાલ નવનો સ્ટાફ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-રાજકોટ જેવા મોટા સેન્ટરમાં હાયર સિલેક્શન ગ્રેડમાં સંખ્યા સરપ્લસ હોય છે. ક્લાર્કનું મહેકમ લગભગ 170નું છે અને તેની સામે અત્યારે 100 જેટલા કર્મચારી છે. આ ક્લાર્ક વિભાગમાં લગભગ 41 ટકાની ઘટ છે. પોસ્ટ વિભાગની અલગ-અલગ ઓફિસમાંથી આવતા વાઉચરો ચકાસીને હિસાબ મિલાવવાની મહત્ત્વની કામગીરી જેણે કરવાની હોય છે તે એસ.બી.સી.ઓ. બ્રાન્ચમાં લગભગ નવ જણનો સ્ટાફ હોવો જોઇએ, પણ હાલ બેથી ત્રણ જણ ત્યાં નિયમિત ફરજ બજાવતા હોય છે. સ્વાભાવિક છે કે, હેડ પોસ્ટ ઓફિસમાં જ્યાં પબ્લિક આવતી હોય છે તેવા કાઉન્ટરો, પગાર સહિતની કામગીરી કરતી બ્રાન્ચમાં વધુ સ્ટાફ નીમવાને પ્રાથમિકતા આપવી પડતી હોય છે. હેડ ઓફિસમાં સરેરાશ જોઇએ તો 50 ટકા જેટલો સ્ટાફ ઓછો છે. જેને લઇ વારંવાર એકસ્ટ્રા ડિપાર્ટમેન્ટ કર્મચારીઓની સેવા લેવી પડતી હોય છે. - કચ્છ પોસ્ટને લાંબો સમય રહે તેવા સુપરિન્ટેન્ડેન્ટ મળવા જોઇએ : ભુજ, તા. 28 : કચ્છ ભૌગોલિક રીતે બહુ મોટો જિલ્લો છે અને અહીં પોસ્ટના બે ડિવિઝન હોવા જોઇએ, પણ કડવી વાસ્તવિકતા એ છે કે, એક ડિવિઝનના પણ વહીવટી વડા કહેવાય એવા સુપરિન્ટેન્ડેન્ટ કચ્છને નિયમિત મળતા નથી. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 13 મહિનામાં કચ્છ પોસ્ટમાં ચાર ડાક અધીક્ષક બદલાઇ ગયા છે, યા તો વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બદલી થઇ જતી હોય છે અને ઘણીવાર અધિકારીઓ કચ્છ આવવાની સાથે જ અહીંથી બદલી લઇ લેવાના પ્રયાસ શરૂ કરી દેતા હોય છે. હાલ, તેલંગાણાના અધિકારીની કચ્છના એસ.પી. તરીકે બદલી થઇ છે, પણ હજી સુધી તેમણે અહીં આવીને ચાર્જ સંભાળ્યો નથી. હકીકતમાં કચ્છને બે વર્ષ સુધી રહે તેવા કાયમી સુપરિન્ટેન્ડેન્ટ મળવા જોઇએ. 

Panchang

dd