• શુક્રવાર, 29 મે, 2026

જિલ્લામાં નવ અકસ્માત ક્ષેત્રમાં ત્રણ વર્ષમાં 41 માનવજિંદગી હોમાઈ

કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા. 28  : દેશ અને રાજ્યના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર  સરહદી મુલકે ધીમેધીમે વિકાસની રફતાર પકડી છે. સુવિધાઓ વધવા સાથે જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. કચ્છના જુદા-જુદા નવ અકસ્માત ક્ષેત્રમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 41 માનવજિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાયું હોવાના અહેવાલ સાંપડયા હતા, તો બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા અકસ્માત ઘટાડવા માટે વિવિધ દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે. દર મહિને જિલ્લા માર્ગ સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા તળે યોજવામાં આવી, જેમાં મહિના દરમ્યાન માર્ગ ઉપર થયેલા ગંભીર અકસ્માતો, તેનાં કારણો સહિતના મુદ્દે ચર્ચા હાથ  ધરવામાં આવી છે. આ ઉપરાંત માર્ગ સુરક્ષાના જુદા-જુદા માપદંડો ઉપર મનોમથંન સાથે તેની અમલવારીની દિશામાં કાર્ય હાથ ધરવામાં આવે છે. આ  ઉપરાંત ગાંધીનગર કક્ષાએ  અહેવાલ સુપરત કરવામાં આવે છે.  - પૂર્વ કચ્છમાં પાંચ અકસ્માત ક્ષેત્ર : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ કચ્છમાં પાંચ અકસ્માત ક્ષેત્ર નોંધવામાં આવ્યા છે, જેમાં  અંજાર તાલુકામાં નેશનલ હાઈ-વે 41 ઉપર મકલેશ્વર મહાદેવ મંદિરથી મેઘપર બોરીચી સુધી માર્ગમાં વર્ષ 2023માં 3 અકસ્માતમાં 3 જણનું તેમજ વર્ષ 2024માં બે અકસ્માતમાં બે જણનું તેમજ વર્ષ 2025માં અકસ્માતમાં એક જણનું મૃત્યુ થયું હતું તેમજ આ માર્ગ ઉપર રિલાયન્સ પ્રેટ્રોલ પંપથી મેઘપર બોરીચી જૂની આર.ટી.ઓ. કચેરી સુધીના માર્ગે વર્ષ 2023માં 6 અકસ્માત થયા હતા, જેમાં ત્રણ જણે આંખો મીંચી લીધી હતી. અંજારના કળશ સર્કલ પાસે વર્ષ 2023માં 4 અકસ્માતમાં બે જણ, વર્ષ 2025માં બે અકસ્માતમાં બે જણનું મૃત્યુ થયું હતું. લાકડિયા પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈ-વે ઓથોરિટીના માર્ગ ઉપર જૂના કટારિયા ચોકડી પાસે વર્ષ 2023માં એક બનાવમાં એકનું મૃત્યુ તેમજ વર્ષ 2024માં પાંચ અકસ્માતમાં સાત જણનાં મૃત્યુ થયાં હતાં તેમજ વર્ષ 2025ના એક બનાવમાં એક માનવજિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાયું હતું. આદિપુરમાં મુંદરા સર્કલથી જનતા પેટ્રોલ પંપ સુધીના માર્ગને પણ અકસ્માત ક્ષેત્ર તરીકે સમાવિષ્ટ કરાયો છે. વર્ષ 2023થી 2025માં છ અકસ્માતમાં પાંચ જણ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું હતું. - પશ્ચિમ કચ્છનાં ચાર સ્થળે 14 જણે આંખો મીંચી : પશ્ચિમ કચ્છમાં જુદા-જુદા ચાર  અકસ્માત ઝોન નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં માનકૂવા પોલીસ મથકની હદમાં આવતા  ભુજ - લખપત સ્ટેટ હાઈ-વે નં. 42માં વર્ષ 2023થી 2025માં  ડાકડાઈ મહાકાલેશ્વર મંદિરથી મતિયા દેવ મંદિર સુધીના માર્ગમાં પાંચ બનાવમાં ત્રણ  જણ, નાગિયારી બસ સ્ટેશનથી બજરંગ હોટેલ સુધીના માર્ગમાં પાંચ અકસ્માતમાં ચાર જણ તેમજ વૃંદાવન હોટેલથી નરનારાયણ સોસાયટી સુધીના માર્ગમાં સાત બનાવમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. મુંદરામાં જિંદાલ કંપનીના ગેટ નં. 1થી સમાઘોઘા પંકજ કોલોની વળાંક સુધીના માર્ગ ઉપર પાંચ બનાવમાં બે જીવન હોમાયા હતા. - આદિપુરમાં કટ બંધ કરાયો હતો : માર્ગ સુરક્ષાની બેઠક બાદ આદિપુરમાં જનતા પેટ્રોલ પંપ આગળનો કટ બંધ કરાયો હતો તેમજ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે વાહનોની ગતિ ધીમી પાડવા માટે રમ્બલ સ્ટ્રીપ મૂકવા, વાહનચાલકોની તકેદારી માટે અકસ્માત ઝોનનાં સાઈન બોર્ડ મૂકવા, ગતિઅવરોધકો મૂકવા, બિનઅધિકૃત કટ બંધ કરવા તેમજ તૂટેલી રેલિંગનું સમારકામ કરી તેને બંધ કરવા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો.  આગામી સમયમાં તંત્ર દ્વારા આ દિશામાં કાર્ય કરવામાં આવશે, તેવું માહિતગારોએ ઉમેર્યું હતું. કચ્છમાં અકસ્માત ઝોનમાં વાહનચાલકોને તકેદારીપૂર્વક વાહન ચલાવવા માટે પૂર્વ કચ્છ આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર ડી.પી. પટેલે અનુરોધ કર્યો હતો.    

Panchang

dd