ભુજ, તા. 22 : દેશના પૂર્વ વડાપ્રધાન તથા
ભારતરત્ન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા તેમજ
વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકાર્યો કરી તેમના રાષ્ટ્રપ્રેમ, દૂરંદેશી નેતૃત્વ અને દેશના
વિકાસમાં આપેલાં યોગદાનને યાદ કરાયા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ
ગાંધીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. કચ્છ જિલ્લાના રાજીવ
ગાંધી પંચાયતરાજના પ્રમુખ આત્મારામભાઈ સુંઢાએ રાજીવ ગાંધીજીએ યુવાનોની આશાઓ અને ઉજ્જવળ
ભવિષ્યને મજબૂત આધાર આપવા માટે અનેક મહત્ત્વપૂર્ણ પગલાં લીધા હોવાનું જણાવ્યું હતું.
માહિતી પ્રૌદ્યોગિકી, શિક્ષણ, પંચાયતીરાજ અને આધુનિક ભારતનાં નિર્માણમાં યોગદાન તેમજ
દેશના યુવાનોને લોકશાહીમાં વધુ સશક્ત બનાવવા માટે 18 વર્ષની ઉંમરે મતાધિકાર આપવાનો ઐતિહાસિક નિર્ણય સ્વ. રાજીવ ગાંધીએ
લીધો હોવાનું ઉમેર્યું હતું. આ અવસરે રાજીવ ગાંધીજીના વિચારો, સેવા અને સમર્પણ આજે
પણ દેશના યુવાનો માટે પ્રેરણાસ્રોત સમાન છે અને આવનારી પેઢીઓને સતત પ્રેરણા આપતા રહેશે
તેમ જણાવી તેમણે દર્શાવેલા માર્ગ પર ચાલી દેશસેવામાં સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત
કરાયો હતો. ભુજ ખાતે વિવિધ સેવાકાર્યો સાથે
ઉજવણી કરાઈ હતી. જીવદયા પ્રવૃત્તિ તેમજ ગાયોને પાણી પીવા માટે કુંડીઓ, પક્ષીને રહેવા
માટે ઘર અને કૂંડાનું વિતરણ કરાયું હતું. હરતાં-ફરતાં છાશ કેન્દ્ર દ્વારા ઠંડી છાશ,
ગરીબોને ઘંઉના લોટનું વિતરણ, શ્રમજીવીઓને લીંબુ શરબત, રાહદારીઓ માટે પીવાનાં પાણીની
વ્યવસ્થા કરાઈ હતી. સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ,
નરેન્દ્રભાઈ સ્વાદિયા, અંકિતાબેન ધોકાઈ, જટુભાઈ ડુડિયા, નયનભાઈ શુક્લ, રામુબેન પટેલ
વિગેરેએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોંગ્રેસ અગ્રણી જે.સી. પારેખે વ્યવસ્થા સંભાળી હતી.
ગાંધીધામ ખાતે શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે
તેમની છબીને ફૂલહાર પહેરાવીને શ્રદ્ધા-સુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ભરતભાઈ ગુપ્તા,
યજુવેન્દ્રસિંહ જાડેજા, નીતેશ લાલણ, ગનીભાઈ માંજોઠી, રાધાસિંહ ચૌધરી, જગદીશભાઈ ગઢવી,
નગર કોંગ્રેસ મહામંત્રી લતીફ ખલીફા વિ. ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન સ્વર્ણિમ ભારત ફાઉન્ડેશન
અધ્યક્ષ રૂપમ વરુએ સ્વર્ગીય રાજીવ ગાંધીને ભાવાંજલિ અર્પિત કરતાં જણાવેલું કે, શ્રી
ગાંધીની દીર્ઘદૃષ્ટિને કારણે આજના ભારતવર્ષને કોમ્પ્યુટર યુગમાં પ્રવેશ અપાવેલો હતો.
મંત્રી લતીફ ખલીફા, પલ્લવીબેન વિ. જોડાયા હતા.