• બુધવાર, 20 મે, 2026

દવાના વધતા ભાવ સામે મુંદરા કેમિસ્ટ એસો. સક્રિય

મુંદરા, તા. 19 : 20 મે, 2026ના કેમિસ્ટો દ્વારા બંધનાં આયોજન અંતર્ગત દવાઓના વધતા ભાવ, ઓનલાઇન ફાર્મસી, દવા વિતરણ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર અને નાના કેમિસ્ટો સામે ઊભા થતા પ્રશ્નોને લઇને મુંદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસીએશન દ્વારા કચ્છના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ)ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી. એસોસીએશનના પ્રમુખ ચિંતનભાઇ રામૈયા તથા મંત્રી જયેશભાઇ પીપરાનીએ  જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સામાન્ય ઉપયોગની દવાઓના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. સામાન્ય માણસ માટે રોજિંદી સારવાર હવે ધીમે ધીમે મોંઘી બનતી જઇ રહી છે. મુંદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસીએશન દ્વારા પાઠવાયેલાં આવેદનપત્રમાં ઓનલાઇન ફાર્મસી અને મોટી કંપનીઓની ભાવતોડ સ્પર્ધા નીતિઓ અંગે પણ ચિંતા વ્યકત કરાઇ હતી. જેના કારણે નાના મેડિકલ સ્ટોર માટે વેપાર ટકાવી રાખવો મુશ્કેલ બની રહ્યો હોવાનું જણાવાયું હતું. આવેદનપત્રમાં જીએસઆર 817 (ઈ) અને જીએસઆર 220 (ઈ) જેવી સૂચનાઓ અંગે પણ વિરોધ સાથે કેટલીક નીતિઓના કારણે દવા વિતરણ વ્યવસ્થામાં અસંતુલન સર્જાઈ રહ્યું છે અને નાના વેપારીઓ પર સીધી અસર પડી રહી હોવાનું જણાવાયું હતું. જાહેર આરોગ્યના મુદ્દે પણ રજૂઆત કરી ઓનલાઇન માધ્યમથી પ્રિક્રિપ્શન વગર દવાઓ સરળતાથી ઉપલબ્ધ થવાથી દવાઓના ખોટા ઉપયોગની શક્યતા વધી રહી હોવાનું જણાવાયું હતું. મુંદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસીએશન દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર 20 મેના લોકોને તકલીફ ન પડે તે માટે બે મેડિકલ સ્ટોર કાર્યરત રખાશે. તે સિવાય મુંદરાના તમામ મેડિકલ સ્ટોર બંધ રહેશે તેવું જણાવાયું છે. 

Panchang

dd