• બુધવાર, 20 મે, 2026

નો સરપ્રાઇઝ... મોટા સમાજોને સાચવી લેવાયા

ભુજ, તા. 19 : જિલ્લાની ભુજ, અંજાર, માંડવી, મુંદરા અને નખત્રાણા એમ કુલ પાંચ નગરપાલિકાના સુકાનીઓની વરણી આજે સરાસરી ધારણા મુજબની અને ક્યાંય કોઈ અપસેટ કે આશ્ચર્ય વગરની પક્ષીય ધોરણે થઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની આ પાંચેય સંસ્થાના હોદ્દેદારોની વરણીની પ્રક્રિયામાં જે - તે વિસ્તારના ધારાસભ્ય અને અગ્રણીઓનો હાથ ઊંચો રહ્યાનું જોવા મળી રહ્યું છે, તો સત્તાપક્ષ ભાજપ દ્વારા પણ વિવિધ જ્ઞાતિ અને મોટા સમુદાયને આવરી લેવાનો અભિગમ અજમાવાયાનો અનુભવ આનાથી થઈ રહ્યો છે. આ વખતની વરણીઓમાં નોંધપાત્ર બાબત એ બની રહી છે કે, બંદરીય નગરી માંડવીમાં વિપક્ષને એકેય બેઠક મળી ન હોવાથી આ પાંચ વર્ષ આ સુધરાઈ વિપક્ષ વગરની રહેશે. દરમ્યાન, તાલુકા પંચાયતના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓની વરણી 22 અને 23મી મેના થશે. જિલ્લા પંચાયત પ્રમુખ માટે 25મી અને 26મી મે નિશ્ચિત કરાઇ છે, જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ પ્રમુખ 26મીએ મળશે. ગત મહિને કચ્છની પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં જબ્બર જીત હાંસલ કરનારા સત્તાપક્ષ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરાયેલાં નામો સાથેના બંધ કવર આજે સવારે ભુજ પહોંચ્યા હતા. પહેલા પક્ષની બેઠક મળ્યા બાદ જે-તે સુધરાઈમાં મળેલી બેઠકમાં નવા સુકાનીઓનાં નામોની ઘોષણા કરાઈ હતી, જે મુજબ ભુજમાં પ્રમુખ તરીકે શીતલ ચંદ્રકાંત શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન મેહુલ ઠક્કર, કારોબારી ચેરમેન કમલ પબુભાઈ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેશ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાને નિયુક્ત કરાયા હતા, તો અંજાર ખાતે પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ઉપપ્રમુખ પરેશ માલસતર, કારોબારી ચેરમેન પ્રકાશ લોદરિયા, શાસક પક્ષના નેતા આશિષ ઉદવાણી અને દંડક તરીકે ગિરીશ પરમાર ઉપર પસંદગીનો કળશ ઢોળાયો હતો, જ્યારે મુંદરા-બારોઈ પાલિકા માટે પ્રમુખ પદે ભોજરાજભાઈ ગઢવી, ઉપપ્રમુખ આશાબેન સોરઠિયા, કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપ ગોર અને દંડક તરીકે પ્રકાશ ગોપાલજી ઠક્કરને આરૂઢ કરાયા હતા. બંદરીય શહેર માંડવીમાં પ્રમુખ તરીકે વર્ષાબેન જોષી, ઉપપ્રમુખ મુકેશ રાબડિયા, કારોબારી ચેરમેન વિજય ગઢવી, શાસક પક્ષના નેતા વિજય ચૌહાણ અને દંડક તરીકે જિગર ધાયાણીમાં પક્ષે વિશ્વાસ જતાવી તેમને કમાન સોંપી હતી. તદ્ઉપરાંત કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા નગરની પાલિકાની પ્રથમ ચૂંટણી યોજાયા પછી પ્રથમ પ્રમુખ તરીકેનું પદ વસંતભાઈ વાઘેલાના ફાળે આવ્યું હતું, તો ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી, કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડ, સત્તાપક્ષના નેતા સવિતાબેન દરજી અને દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરની વરણી કરાઈ હતી. રાજકીય પંડિતો અને આ ક્ષેત્રના અનુભવીઓ હોદ્દેદારોની આ વરણીને આંચકો આપ્યા વગરની અને ધારણા મુજબની લેખાવી રહ્યા છે, તો સાથેસાથે આવનારા સમય અને કરવાની થતી કામગીરીને કેન્દ્રમાં રાખીને પણ પસંદગી કરવા સાથે વિવિધ જ્ઞાતિ અને સમૂહને આવરી લેવાયાની કુનેહ સાથેનાં કાર્ય સાથે મૂલવી રહ્યા છે. આ સૂત્રો ઉમેરી રહ્યા છે કે, આ નીતિનાં કારણે જ ક્યાંય કોઈ નારાજગી કે અસંતોષ જેવાં પરિબળ જોવા નથી મળ્યાં. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ જિલ્લા મથક ભુજમાં યુવા ચહેરા તરીકે શીતલ શાહ ઉપર પસંદગી ઉતારવા સાથે કેસરિયા પક્ષે જૈન સમાજને પ્રાધાન્ય આપ્યું છે. ભુજમાં માજી રાજ્ય મંત્રી સ્વ. તારાચંદભાઈ છેડાના પત્ની હંસાબેન છેડા પછી લગભગ બે દાયકે જૈન સમાજને પ્રથમ નાગરિકનું પદ મળ્યું છે. અલબત્ત આ ગાળામાં રેશ્માબેન જિતેન્દ્ર ઝવેરી ઉપપ્રમુખ પદ અને હંસાબેન નવીનભાઈ લાલન કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. વર્તમાન ઉપપ્રમુખ પદે બિંદિયાબેન ઠક્કરનાં નામ ઉપર મહોર મારીને સંખ્યાની રીતે મોટા એવા રઘુવંશી સમાજની લાગણીનો પડઘો પણ પડાયો છે, તો કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવીની પસંદગીને પક્ષ સાથેના લાંબા સમયના નાતા, પ્રદાન અને કામગીરીને નિમિત ગણાવાઈ રહી છે. દરમ્યાન ભુજ, અંજાર, માંડવી, મુંદરા અને નખત્રાણા ખાતે પ્રમુખપદ માટે જે-તે વિસ્તારના ધારાસભ્યની પસંદગી મુખ્યત્વે રહ્યાનું અને ધારાસભ્ય તથા વિસ્તારના આગેવાનોનો હાથ ઉપર રહ્યાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રથમ કે દ્વિતીય હરોળના હોદ્દા માટે મહિલાઓને ભારોભાર સ્થાન આપીને જરૂરી રેસિયો જાળવી લેવાયાની લાગણી પણ વ્યકત કરાઈ રહી છે, તો કારોબારી ચેરમેનના મહત્ત્વના અને અગ્રહરોળના પદ માટે પક્ષના અનુભવીઓને નિયુક્ત કરવાની પરંપરાગત થિયરી અખત્યાર કરાયાનું પણ દેખાઈ રહ્યું છે. નવા સુકાનીઓની વરણી બાદનાં રાજકીય ચિત્રને આગળ ધરી સૂત્રો જણાવી રહ્યા છે કે, માંડવીની પાલિકા આ વખતે વિરોધ પક્ષ વગરની પાંચ વર્ષ રહેશે, જેનાં કારણે સત્તાપક્ષના ચૂંટાયેલા સભ્યોની જવાબદારી સવિશેષ બની રહેશે, તો કચ્છના રાજનગર ભુજમાં વિપક્ષ કોંગ્રેસના 13 અને એ.આઈ.એમ.આઈ.એમ.ના ત્રણ મળી કુલ 16 સભ્યનો વિરોધ અને દેકારો નવા હોદ્દેદારોના ફાળે આવશે, તો ભુજમાં વિપક્ષની કામગીરી તેના માટે પણ લિટમસ ટેસ્ટ બની રહે તેવું દેખાઈ રહ્યું છે. નખત્રાણાના પ્રથમ સુધરાઈ અધ્યક્ષ બનવાનું બહુમાન અનુ. જાતિના વસંતભાઈ વાઘેલાને મળ્યું છે. 

Panchang

dd