ગાંધીધામ, તા. 15 : યુપીએસસીની પરીક્ષામાં ઓલ
ઈન્ડિયામાં 287મા ક્રમે આવી સનદી અધિકારી તરીકે સિદ્ધિ હાંસલ કરનારા ગાંધીધામના
જિતેન્દ્ર પ્રજાપતિનો ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે સન્માન સમારંભ યોજાયો હતો.
ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિમંડળ દ્વારા ગાંધીધામના સનદી અધિકારી
શ્રી પ્રજાપતિનું સ્મૃતિચિહ્ન સાથે અભિવાદન કરાયુ હતું. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ
કાનગડે જણાવ્યું હતું કે, ગાંધીધામનો યુવાન
દેશની ટોચની પરીક્ષામાં સફળતા મેળવે તે સમગ્ર વિસ્તાર માટે ગૌરવજનક બાબત છે.
તેઓ દેશની વહીવટી સેવાઓમાં રહી કચ્છના વેપાર,
ઉદ્યોગ અને ટેડ સંબંધિત પ્રશ્નોને દેશવ્યાપી મંચ પહોંચાડશે. આ ઉપરાંત અન્ય યુવાવર્ગ
માટે પણ તેઓ ઉપયોગી સાબિત બનશે. ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારેખ અને મંત્રી મહેશ તીથાર્ણીએ
જણાવ્યું હતું કે, ચેમ્બરનો હેતુ માત્ર વેપાર અને ઉદ્યોગ સુધી મર્યાદિત નથી, પરંતુ
યુવા શક્તિને રાષ્ટ્રસેવા સાથે જોડવાનો છે. અહીં સ્પિપા કેન્દ્રની સ્થાપના કરવામાં આવે, તો અહીંના યુવાઓને ભારતીય વહીવટી સેવાઓમાં આગળ વધવાની તકો મળે શકે.
આ ઉપરાંત બિહાર અને રાજસ્થાનના ટોચના
રેન્ક પ્રાપ્ત કરનારા અધિકારીઓ અન્ય
યુવાઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપી નવી પેઢી ઘડવામાં યોગદાન આપી શકે છે, ત્યારે શ્રી પ્રજાપતિ પણ આ દિશામાં પ્રેરણાદાયી ભૂમિકા ભજવશે. આ વેળાએ ચેમ્બર દ્વારા યુવાઓ માટે યોજાતા વિવિધ
કાર્યક્રમોની વિગતો પણ અપાઈ હતી. ગાંધીધામની આદર્શ મહાવિદ્યાલયથી યુપીએસસી સુધીની સંઘર્ષમય યાત્રા સનદી અધિકારી જિતેન્દ્ર પ્રજાપતિએ પોતાની આગવી શૈલીમાં વર્ણવી હતી. વધુમાં તેમણે ચેમ્બરના
અભિગમ અને કાર્યોને આવકાર્યાં હતાં તેમજ અહીંના યુવાવર્ગને ટોપકક્ષાની પરીક્ષાઓ
માટે માર્ગદર્શન આપવા ચેમ્બરનાં માધ્યમથી યોગદાન
આપવાની તત્પરતા દર્શાવી હતી. ફાઈવ ટ્રિલીયન ઈકોનોમીમાં ભારતના સપનામાં કચ્છની ભૂમિકા મહત્ત્વની રહેશે તેવુ જણાવી
ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પુંજે યુવાઓને ટેક્નોલોજી આધારિત શિક્ષણ અને સ્પર્ધાત્મક
પરીક્ષાઓ તરફ આગળ આવવા આહ્વાન કર્યું હતું. વેપારી અગ્રણી ભરતસિંહ જાડેજાએ પ્રાસંગિક
ઉદ્બોધન આપ્યુ હતું. કાર્યક્રમમાં યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવવાના મુદ્દે માર્ગદર્શન
અપાયુ હતું. આ વેળાએ ચેમ્બરના હરિશ માહેશ્વરી, અનિમેષ મોદી, શરદ ઠક્કર, રાજીવ ચાવલા,
કેએમએના સીઈઓ જય હેમનાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.