માધાપર (નવાવાસ) (તા. ભુજ),
તા. 15 : વર્ષોથી કોંગ્રેસ સમર્થિત
રહેલી અહીંની ગ્રામ પંચાયતમાં ગત ચૂંટણીમાં
થયેલા સત્તા પરિવર્તન બાદ ગામની બહારના વિસ્તારમાં નવી વિકસેલી સોસાયટીમાં પાણી
માટે લોકો વલખાં મારે છે, તો ગટર, રસ્તા, રોડ લાઇટ જેવી અનેક સમસ્યાઓથી રહેવાસીઓ ત્રસ્ત
બન્યા હોવાનો કચવાટ વ્યક્ત થઈ રહ્યો છે. - અપૂરતાં પાણીના અભાવે
ખાનગી ટેન્કરો મગાવવા પડે છે : ગામના નવાવાસમાં કેસર બાગથી મહાદેવ હિલ્સ સુધીમાં કેવલ હોમ્સ,
શાંતિવન, આશા હોમ્સ, સમાજ નગર, હર્ષિલ રેસિડેન્સી, વૃંદાવન નગર જેવી અનેક વસાહતો વિકસી
છે, આ વિસ્તારમાં સાવ ધીમાં દબાણે અથવા સમૂળગો પાણી ન મળતાં ખાનગી ટેન્કરો મગાવવા પડે
છે અને કેટલાક વિસ્તારમાં સત્તાપક્ષ દ્વારા વહાલાદવલાની નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ
થઈ રહ્યો છે. - દારૂનું ખુલ્લેઆમ વેચાણ : તો આ સોસાયટીઓમાં ગટરો ઊભરાવી, રોડ લાઈટો
બંધ, સફાઈનો અભાવ, ખરાબ રસ્તાઓ, દારૂનું ખુલ્લેઆમ વેચાણ, રસ્તાઓ પર બાવળના ઝુંડ જેવી
અનેક સમસ્યાઓથી લોકો ત્રસ્ત બન્યા હોવાની ફરિયાદો સંભળાઈ રહી છે. એવું નથી કે, રહેવાસીઓ વેરા નથી ભરતા, વેરા ભરવા
છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં પંચાયત દ્વારા અન્યાય કરાતો હોવાની લોકો ફરિયાદ કરી
રહ્યા છે. - તંત્રના પેટનું પાણી હાલતું
નથી : આ વિસ્તારના રહેવાસીઓએ લાંબા સમયથી સતાવતી
સમસ્યાઓ મુદ્દે ગામના સરપંચ, તલાટી અને છેક જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી
સુધી રજૂઆત કરી છે પરતું કોઈના પેટનું પાણી હાલતું ન હોવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યા
છે. - રોડલાઈટ સુવિધા મુદ્દે તંત્રોની
ફેંકાફેંક : પંચાયત દ્વારા બત્તી વેરા ઉઘરાવાય છે,
પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી રોડલાઈટની સુવિધા
બાબતે પંચાયત, વીજતંત્ર અને સોસાયટી બનાવનારા બિલ્ડર આ સુવિધા મુદ્દે એકબીજા પર ફેંકાફેંક
કરે છે. - અંધારામાં ઝેરી સાપ કરડવાનીયે
બીક : વળી અહીં ભારતના ઝેરીલી પ્રજાતિ પૈકીના
કોમન ક્રેટના સાપનો વિસ્તાર હોવાથી રાત્રે અંધારામાં સાપ કરડવાનીયે બીક રહે છે, તો
રસ્તાઓની આસપાસ બાવળની ઝાડી વધી ગઈ છે, જેનું કટિંગ ન થવાથી અંધારું થતાં જ દારૂનું
ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાથી એકલદોકલ પસાર થતી મહિલાઓની સુરક્ષા જોખમાવાનોય ભય
રહે છે. ઝાડી કટિંગ મુદ્દે રહેવાસીઓ દ્વારા પંચાયતનું ધ્યાન દોરતાં તમારી સોસાયટી અમારા
વિસ્તારમાં નથી આવતી તેવા ઉડાઉ જવાબો અપાય છે. કેટલાક નાગરિકોએ બળાપો વ્યક્ત કરતાં
જણાવ્યું હતું કે, આના કરતાં તો અગાઉના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સારા હતા કે ફરિયાદ કરતાં
જ તેનો ઉકેલ લાવવામાં આવતો હતો. - નવા બનાવાયેલા
રસ્તા તોડી પડાયા : ગામના મુખ્ય
પ્રવેશદ્વાર ગાંધી સર્કલથી સરસ્વતી સ્કૂલ તરફ નીકળતા માર્ગ વચ્ચે આવતા વૈભવનગર, હંસનગર
પાસે તેમજ કેસરબાગથી મહાદેવ હિલ્સ તરફ જતાં કોલી સમાજવાડી પાસે હજુ પાંચેક મહિના પહેલાં
બનાવાયેલા નવા રસ્તાને ગટર કામ માટે તોડી પડાયા બાદ ડામરના બદલે માત્ર માટીનું પૂરાણ
કરી દેવાયું છે. - એમ.એસ.વી.
હાઈસ્કૂલથી વર્ધમાન નગરનો માર્ગ ખખડધજ : બીજીબાજુ નવાવાસમાં એમ.એસ.વી. હાઈસ્કૂલથી
વર્ધમાન નગર તરફ જતો માર્ગ પણ લાંબા સમયથી ખખડધજ બન્યો છે, તેમ છતાં આ રસ્તો બનાવવામાં
તંત્રને રસ ન હોય તેવો તાલ સજાર્યો હોવાનું લોકજીભે ચર્ચાઈ રહ્યું છે. દરમ્યાન આ સસમસ્યાઓ
વિશે નવાવાસના સરપંચ વાલાભાઈ આહીરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, નર્મદાનું
પાણી બંધ થઈ જવાથી પાણીનું વિતરણ ખોરવાયું હતું, જે હવે રાબેતા મુજબ થઈ ગયું છે, વળી
ગામનો ચારેકોર વિકાસ થઈ જવાથી ભુજોડી સંપથી મળતો પુરવઠો ઓછો પડે છે જેના માટે બીજી
લાઈન માટે દરખાસ્ત કરાઈ છે, તો રોડલાઈટ બાબતે સોસાયટી બનાવનારા બિલ્ડરોએ કોલ ભરવાનો
હોય છે, તેમ છતાં પંચાયત દ્વારા યોગ્ય કરવામાં
આવશે. રસ્તાઓ તોડી પાડવા મુદ્દે શ્રી આહીરે સ્પષ્ટતા કરી હતી કે, કોલી સમાજવાડી પાસે ગટરલાઈન બેસી જવાથી રસ્તો તોડવો પડયો
હતો.