નખત્રાણા, તા. 15 : તાલુકાના નાની બન્નીની ત્રિભેટે
આવેલાં યયાવર પક્ષીઓનું સ્વર્ગ છારીઢંઢ, કીરો ડુંગર અને તેની નજીક આવેલા ધીણોધર ડુંગર
વિસ્તારમાં ફુલાય જૂથ ગ્રામ પંચાયતની હદમાં એન.ટી.પી.સી. કંપની અંતર્ગત હિલ્ડ એનર્જી
કંપની દ્વારા 4500 એકર જમીનમાં પ્રોજેક્ટ સ્થાપવાના
હેતુથી વિવિધ ગતિવિધિ હાથ ધરાતાં ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો. આ વિસ્તારમાં પ્રવાસનધામો
સાથે પશુપાલન માટે ગૌચર જમીનના નિકંદનની ભીતિથી ફુલાય જૂથ ગ્ર્રામ પંચાયતમાં સમાવિષ્ટ
ફુલાય, મોતીચુર, વેડહાર મોટી, છારી પૈયા, ગેચડો, તલ, લૈયારી, તલવાંઢ, અજોરિયા સહિત
10 ગામના ગ્રામજનો દ્વારા વિકાસનાં
નામે વિનાશ વેરી પર્યાવરણનું નિકંદન કાઢવાની પેરવીને વખોડાઈ હતી. કાર્યવાહીના ભાગરૂપે
છારી ફુલાય જૂથ ગ્રામ પંચાયત દ્વારા કંપનીને જાહેર ચેતવણી આપી પ્રોજેક્ટ સ્થાપવા અંગે
અગાઉ મંજૂરી ન અપાઇ હોવાનું તથા જો મંજૂરી અપાઇ હોય, તો સરપંચ તથા સભ્યો દ્વારા સર્વાનુમતે
રદ કરવા ઠરાવ કરાયો હોવાનું જણાવાયું હતું. કંપની દ્વારા આગળ કાર્યવાહી કરાશે, તો ગ્રામજનો
દ્વારા કાનૂની કાર્યવાહીની ચીમકી અપાઇ હતી તથા આગળ પણ આ પ્રોજેક્ટને લગતા સહમતી પત્ર,
એન.ઓ.સી. અથવા ગ્રામ પંચાયતના ઠરાવો ચૂંટાયેલી ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનોની
ઉપસ્થિતિમાં ગ્રામસભામાં લેવાયેલા ઠરાવો મુજબ જ અપાશે તેવું જાહેર ચેતવણીમાં જણાવાયું
હતું. કંપનીના પ્રોજેક્ટ માટે હાલ કરવામાં આવેલી જમીન માપણીમાં ગામના રહેણાક મકાનો,
ગામતળ, પરંપરાગત વસાહતો તથા અન્ય સ્થાનિક ઉપયોગની જમીનોનો સમાવેશ થતો હોવાથી આ અંગે ધારાસભ્ય પ્ર્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત કરી ગામતળની માપણી, સીમતળની માપણી, ગૌચર જમીનની માપણી, ધાર્મિક સ્થળો, કબ્રસ્તાન તથા સરકાર દ્વારા રામસર
સાઇટ જાહેર થયેલા છારીઢંઢની યોગ્ય હદ નક્કી થયા બાદ બાકી રહેતી જમીન કંપનીને ફાળવવા
તથા છારી-ફુલાય જૂથ ગ્ર્રામ પંચાયતની એનટીપીસી કંપનીને ફાળવાયેલી જમીનનો પુન: સર્વે
કરી ગ્રામલોકો તથા સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા-વિચારણા બાદ પ્રોજેક્ટની કામગીરી આગળ
વધારવા માંગ કરાઇ હતી.