• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ગાંધીધામ મહાનગરપાલિકાની મતગણતરી માટે તંત્ર સજ્જ

ગાંધીધામ, તા. 27 :  કચ્છની પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાબેતા મુજબ જ નીરસ મતદાન  રહ્યા બાદ હવે વહીવટી તંત્ર મતગણતરીની પ્રક્રિયા પાર પાડવાની તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. રિસિવિંગ ડિસ્પેચ સેન્ટર ખાતે આવતીકાલે સવારથી મતગણતરીનો આરંભ થશે અને બપોર સુધી ગાંધીધામ મહાનગરનું સુકાન કયા પક્ષના હાથમાં જશે, તેનો પ્રજાનો ફેંસલો આવી જશે. આદિપુરમાં રિસિવિંગ ડિસ્પેચ સેન્ટર મૈત્રી સ્કૂલ ખાતે મતગણતરી કરવામાં આવશે. સવારે નવના ટકોરે મતગણતરી શરૂ કરવામાં આવશે. મૈત્રી સ્કૂલના ડોમ ખાતે મતગણતરી કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા એક સાથે ત્રણ વોર્ડની મતપેટીઓની ગણતરી કરવામાં આવશે. એક વોર્ડમાં એક સાથે આઠ ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે, એ મુજબ કુલ 24 ટેબલ ગોઠવવામાં આવી છે. સૌપ્રથમ વોર્ડ 1, વોર્ડ 6, વોર્ડ 10, બાદમાં વોર્ડ 2, વોર્ડ 7, વોર્ડ 11, બાદમાં વોર્ડ 3, વોર્ડ 8, વોર્ડ 12 ત્યાર બાદ વોર્ડ  5, વોર્ડ 13 અને વોર્ડ 9 અને છેલ્લે વોર્ડ પાંચના મતોની ગણતરી કરાશે. આ સમગ્ર પ્રક્રિયા માટે 250 જેટલો સ્ટાફ તૈનાત કરાયો છે. સંભવત જો મતગણતરી વિવાદ વિના પૂર્ણ થઈ ગઈ, તો બપોરે 12.30 વાગ્યા સુધીમાં ગાંધીધામ મહાનગરની જનતાનો ચુકાદો આવી જશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામમાં દર વખતની જેમ આ વખતે પણ મતદારો નીરસ રહ્યા છે. 50 ટકાથી વધુ શહેરીજનોને ચૂંટણી પ્રક્રિયામાં રસ જ નથી. આવતીકાલે શું પરિણામ આવે છે, પુનરાવર્તન કે પરિવર્તન તે જોવું રહ્યું.

Panchang

dd