નવી
દિલ્હી,
તા. 27 : પાકિસ્તાનમાં શાંતિ વાટાઘાટ રદ થયા બાદ ઈરાનના
વિદેશમંત્રીના રશિયાના પ્રવાસથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ઉઠયા
છે. તેમણે એક નવી ધમકીમાં કહ્યું હતું કે, જો ત્રણ
દિવસમાં ઈરાન કોઈ સમજૂતી નહીં કરે તો તેની ઓઇલ પાઇપલાઇનોમાં ભયાનક વિસ્ફોટ થશે.
બીજીબાજુ ઈરાને પાકિસ્તાનનાં માધ્યમથી નવો શાંતિ પ્રસ્તાવ રાખ્યો છે અને તેમાં
કહેવામાં આવ્યું છે કે, અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની
નાકાબંધી હટાવે પછી જ કોઈપણ વાતચીત શક્ય બનશે. આ ઉપરાંત ઈરાન હવે પછી શાંતિ વાટાઘાટો
પાક.ને બદલે ફરીથી ઓમાનમાં યોજાઈ શકે તેવા સંકેતો સાંપડી રહ્યું છે. અમેરિકા અને
ઈરાન વચ્ચે મધ્યસ્થતામાં પાકિસ્તાન સદંતર વિફળ રહ્યું છે અને ઈરાન પણ પાક.ની
મધ્યસ્થતાથી ખુશ ન હોવાનાં સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ઈરાન સહિત આખી દુનિયાને
એવું દેખાઈ રહ્યું છે કે, પાકિસ્તાન આમાં અમેરિકાનાં હિતોને
જ સાધવાના પ્રયાસમાં છે. ઈરાનના સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ કહ્યું હતું કે, પાક. એક પાડોશી અને મિત્ર દેશ છે પણ મધ્યસ્થી તરીકે તે ભરોસાપાત્ર નથી.
પાક.માં બે તબક્કાની વાટાઘાટનાં પ્રયાસ પછી હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે, ઈરાન સાથે હવે કોઈ વાત કરવાનો સવાલ નથી. આમાં સમયની બરબાદી છે. ઈરાનના
વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાનથી સીધા રશિયા પહોંચતા માહોલ ગરમ થઈ ગયો છે.
એકબાજુ હવે મધ્યસ્થતામાંથી ઈરાન અને અમેરિકા બન્ને પાક.ની બાદબાકી કરતા જોવા મળી
રહ્યા છે તો બીજીબાજુ હવે પછીની બેઠક ઓમાનની મધ્યસ્થતામાં થાય તેવા સંકેતો ઈરાન
સાંપડી રહ્યું છે. ઓમાન પહેલાં પણ ઈરાનની પ્રથમ પસંદગી રહ્યું છે. થોડા દિવસ પહેલા
પાક.નાં ફિલ્ડ માર્શલ આસીમ મુનીર પણ ઓમાન ગયા હતાં અને હવે કદાચ પાકે. પણ સ્વીકારી
લીધું છે કે, આ મામલામાં મધ્યસ્થતા તેનાં બરની વાત નથી.
બીજીબાજુ ઓમાને અગાઉ પણ અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટનો મંચ પૂરો પાડેલો છે.
ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલે આક્રમણ ચલાવ્યું ત્યારે પણ વાટાઘાટ ઓમાનમાં જ ચાલતી
હતી.