કોટડા
(ચકાર),
તા. 27 : આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિર
પરિસ્થિતિઓ વચ્ચે ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેથી ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે. જેના પગલે
ખેડૂતો પરંપરાગત પશુવાહનો બળદગાડા, ઊંટગાડી, ઘોડાગાડી, ગધેડાગાડી વિ. વિકલ્પો તરફ વળ્યા છે. હાલ
ડીઝલના ભાવ રૂા. 90 પ્રતિ લિટર આસપાસ પહોંચતાં ખેતી અને પરિવહન
ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રેક્ટર, પંપસેટ અને
અન્ય ડીઝલ આધારિત સાધનોનો ખર્ચ વધ્યો છે. સ્થાનિક ખેડૂતો જણાવે છે કે, ડીઝલ વિક્રેતાઓ પાસે છૂટમાં ડીઝલ મળતું નથી. અનેક વિસ્તારોમાં પૂરતું ડીઝલ
ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે અથવા મોંઘા ભાવે ખરીદી
કરવી પડે છે. આ પરિસ્થિતિને કારણે આવક પર સીધી અસર પડી રહી છે. આ સંજોગોમાં
ગામડાંઓમાં ફરી એકવાર પરંપરાગત પશુવાહનો જેમ કે બળદગાડા, ઊંટગાડી,
ઘોડાગાડી તેમજ ગધેડાગાડીનો ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે. એક સમય
એવો હતો કે, ટ્રેક્ટર અને આધુનિક સાધનોના ઉપયોગથી આ વાહનો
પ્રચલનમાંથી લગભગ બહાર થઈ ગયાં હતાં. પરંતુ હાલ ખાસ કરીને માલપરિવહન માટે
ઘોડાગાડીઓનો ઉપયોગ તેમજ ઘાસ અને ચારો લાવવા માટે ગધેડાગાડીનો વધુ ઉપયોગ કરાઈ રહ્યો
છે, જે સસ્તો અને સરળ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. ખેડૂતો કહે
છે કે, બળદગાડા દ્વારા જમીન ખેડવી, ચારો
લાવવો અને પાકને ખેતરથી ઘેર લઈ જવો જેવાં કામો હવે ફરી વધી રહ્યાં છે. કચ્છ અને આસપાસના
વિસ્તારોમાં માલસામાન લઈ જવા માટે ઊંટગાડાનો ઉપયોગ પણ ફરી વધતો જોવા મળી રહ્યો છે.
કેટલાક વર્ષોમાં ઊંટોની સંખ્યા ઘટી હોવા છતાં હાલની પરિસ્થિતિએ ફરી મહત્ત્વ આપ્યું
છે. કૃષિ નિષ્ણાતો અને જાણકારોનું માનવું છે કે, જો ડીઝલના
ભાવમાં ઘટાડો નહીં થાય પરંપરાગત પદ્ધતિઓના કારણે ખેતીની ગતિ ધીમી પડી શકે છે અને
ઉત્પાદન પર અસર પડી શકે છે. સરકાર પાસે ખેડૂતો માટે રાહતનાં પગલાં લેવા, ડીઝલના ભાવ નિયંત્રણમાં લાવવા તેમજ ખેડૂતોને સહાય પૂરી પાડવાની માંગ ઊઠી
છે.