ભુજ
તા. 27 : ગુજરાત
આંગણવાડી કર્મચારી સંગઠન (જીએકેએસ)નું કચ્છ જિલ્લાના આંગણવાડી કર્મચારીઓનું સંમેલન
ભુજ ડી. સી. ભવન ખાતે મળ્યુ હતુ, જેમાં કચ્છના આંગણવાડી
કર્મચારીઓની મોટી સંખ્યાની હાજરી વચ્ચે સર્વાનુમતે કચ્છ જિલ્લો ગુજરાત આંગણવાડી
કર્મચારી સંગઠનમાં જોડાવવા નિર્ણય કરાયો હતો. આ પ્રસંગે રાજ્ય પ્રમુખ અરુણભાઇ
મહેતાએ જણાવ્યું હતું કે, સરકાર આંગણવાડી કર્મચારીઓ પાસેથી
રોજ નવી કામગીરી લાવે છે અને કર્મચારીઓને તણાવ વચ્ચે કામ કરવુ પડે છે. હાઇકોર્ટે
આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 લઘુતમ
વેતન ચૂકવવા આદેશ કર્યો છે. જેને છ માસ જેટલો સમય થવા આવ્યો, પણ સરકાર એનો અમલ કરતી નથી. આ ચુકાદાના અમલ માટે બજેટમાં જોગવાઈ કરવામાં
આવે, શાકભાજી-મસાલાનો ખર્ચ 2018ના
નિયત થયેલ ભાવ પ્રમાણે મળે છે અને એ પણ બહુ ઓછા વેતન મેળવતી બહેનોએ ખર્ચ કરવો પડે
છે. સંગઠન સુપ્રીમ કોર્ટ સુધી લડીને ગ્રેજ્યુટીનો ચુકાદો જીતી લાવ્યું છે. જેને લીધે નિવૃત આંગણવાડી કર્મચારીઓને 366 કરોડ
રૂ. ચૂકવાયા છે. કાર્યક્રમમાં જીએકેએસના રાજ્ય મહામંત્રી કૈલાસબેન રોહિત, દિનેશ પરમાર, રંજનબેન સેંઘાણી તેમજ સ્થાનિક આગેવાન
ઇશ્વરભાઇ હાજર રહ્યા હતા. રાધિકાબેન મહેશ્વરી (પ્રમુખ, મુંદરા
આ. વા. કાર્યકર મંડળ) તથા વર્ષાબેન ગઢવી (અબડાસા)ની ટીમે જહેમત ઉઠાવી હતી.
આભારવિધિ સંગીતાબેન રાજગોરે કરી હતી.