• શનિવાર, 18 એપ્રિલ, 2026

કચ્છનાં સ્મારકનાં નવનિર્માણ માટે આશાનું કિરણ

કચ્છમાં ઠેર-ઠેર રહેલાં ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સ્મારકો આ પ્રદેશને વિશ્વસ્તરીય પ્રવાસીઓ મેળવી આપવામાં નિમિત્ત બન્યાં છે. આ સ્મારકો જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને રક્ષિત જાહેર કર્યાં છે, આ બંને મંત્રાલય હસ્તક જુદાં-જુદાં સ્મારકોનાં જતન અને રક્ષણની જવાબદારી છે. ભારત સરકાર હસ્તકનાં સ્મારકોમાં ધોળાવીરા સહિતની હડપ્પીય વસાહતો ઉપરાંત ભુજ શહેરની લખપતજીની  છતરડી તથા ભુજ તાલુકાના કોટાય મંદિરનો સમાવેશ થાય છેજ્યારે બાકીના તમામ સ્મારકો રાજ્ય સરકાર હસ્તક છે. તેના જતન માટે રાજ્યના પુરાતત્ત્વ ખાતાની ખાસ અધીક્ષકની કચેરી આવેલી છે. ધરતીકંપના અઢી દાયકા પછી કચ્છના સ્મારકોના જતન સંવર્ધન અંગે પાસ કરતાં મહત્ત્વના સ્મારકો એવાં રાઓ લખપતજીની છતરડી તથા કંથકોટના સૂર્યમંદિરના નવનિર્માણ અંગે આશાનું કિરણ  દેખાયું છે. - લખપતજી છતરડીની આંતરિક ડિઝાઈન શોધવા વ્યાયામ : કચ્છના રાવ લખપતજીનું સંવત 1817 જેઠ સુદ-6ના દિવસે અવસાન થતાં રાવ રાયધણજી બીજાના સમયમાં સંવત-1838માં તેમની છતરડી બનાવવામાં આવી. ઈ.સ. ર001ની ર6મી જાન્યુઆરીના કચ્છમાં થયેલા ધરતીકંપમાં તૂટી ગયા છે, છતરડી તો સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગ  હસ્તક રહેલી ભુજની રાજવી પરિવારની છતરડીઓમાં લખપતજીની છતરડીનું નવનિર્માણ કાર્ય ખૂબ સરસ રીતે તેજ ગતિએ ચાલ્યું, પણ એ પછી હવે કેટલાંય વર્ષો થયાં તેના કાર્યમાં પ્રગતિ જોવા મળતી નથી, પરંતુ હવે તેના નિર્માણકાર્યમાં પ્રગતિ આવે એવું જણાઈ રહ્યું છે. છતરડીનો હવાલો જેમના હસ્તક છે એવા ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગના રાજકોટ ક્ષેત્રના પુરાતત્ત્વ અધીક્ષક ગૂંજન શ્રીવાસ્તવે છતરડીનું કાર્ય બહુ જ લંબાયું હોવાની વાતને સમર્થન આપતાં હવે આ કાર્ય બહુ જ જલ્દી હાથ પર લેવા વિભાગ ઉત્સુક હોવાનું જણાવી, પરંતુ  તેના નિર્માણકાર્યમાં એક મોટી અગવડ અનુભવાઈ રહી હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, છતરડીની બહારની તરફના શિલ્પો તથા આખીય છતરડીની તસવીરો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ છતરડીની  અંદરની બાજુના  શિલ્પાંકનોસ્તંભની ડિઝાઈનોની કોઈ તસવીરો ન હોઈ તેની આબેહૂબ ડિઝાઈન તૈયાર કરવામાં મોટી દુવિધા ઊભી થઈ છે. જો અંદરના શિલ્પાંકન, નકશીકામની તસવીરો મળી જાય તો કામમાં  હવે ઝડપ લાવી શકાય એમ છે. તસવીરો મેળવવા વિભાગના પ્રયત્નો ચાલુ છે અને આ માટે એમણે કચ્છની જનતાનો પણ સહયોગ માગ્યો છે, કોઈ પાસે છતરડીની અંદરની શિલ્પાંકન સાથેની  તસવીરો ઉપલબ્ધ હોય તો  વિભાગને પહોંચાડવા અનુરોધ કરાયો છે. - કંથકોટના સૂર્યમંદિર માટેય આશાનું કિરણ : પૂર્વ કચ્છમાં ભચાઉ તાલુકાના કંથકોટના કિલ્લામાં બે મંદિર ભગ્ન દશામાં ઊભેલાં હતાં, પરંતુ સન-ર001ના ધરતીકંપમાં આ બંને મંદિર  સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયાં હતાં.  કાઠીઓએ અહીં પોતાના આરાધ્ય સૂર્યદેવનાં વિશાળ મંદિરનું નિર્માણ કરેલું તે મંદિર, 16 થાંભલાવાળું વિશાળ જૈન દેરાસર, નવલખો, ઘોડાર વગરે કાળની અનેક થપાટો ખાઈને જમીનદોસ્ત થઈ ગયાં છે, જેના ભગ્નાવશેષો આજે નિહાળી શકાય છે. મૂળ સૂર્યમંદિરની પ્લીંથની સફાઈ કરી કાટમાળ હટાવવા સિવાય ધરતીકંપના 25 વર્ષ થયા પછી પણ કોઈ કામગીરી કરાઈ નથી !  આ અંગે પુરાતત્ત્વ વિભાગના નિયામક ડો. પંકજ શર્માનો તથા કચ્છ વર્તુળના ભુજ ખાતેના પુરાતત્ત્વ અધીક્ષક આદિત્યસિંહનો સંપર્ક કરતાં  તેમણે વિગતવાર વાત કરતાં કંથકોટના સૂર્યમંદિરનાં  નિર્માણમાં પણ આશાનું કિરણ દેખાયું છે. તેમણે આપેલી વિગતો મુજબ સંપૂર્ણ ધ્વસ્ત થયેલા સૂર્યમંદિરનાં નવનિર્માણ માટે હાલે વિભાગ દ્વારા ખાનગી એજન્સી મારફત  ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવામાં આવી રહ્યો છે, આ ખાનગી એજન્સી પોતાના અહેવાલમાં કંથકોટનાં પ્રાંગણમાં  જે નમૂનાઓસ્તંભ અને શિલ્પના નમૂના વેરવિખેર પડેલા છે તે તથા ઉપલબ્ધ તસવીરોના આધારે ડિઝાઈન તૈયાર કરશે અને તેમાં બાકીના ખૂટતા નમૂનાઓની પણ ડિઝાઈન બનાવી નવા તૈયાર કરવા પડનારા શિલ્પની વિગતો તૈયાર કરશે અને  તેમાં થનાર સંપૂર્ણ ખર્ચની વિગતો દર્શાવશે. આ અહેવાલ આવ્યા પછી તેના કામ માટે ટેન્ડરની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે, તેમાં સહેજે એકાદ વર્ષ નીકળી જવાની સંભાવના તેમણે દર્શાવી હતી. આમ, કચ્છના પ્રવાસન વિકાસમાં મહત્ત્વનું યોગદાન ધરાવતાં આ સ્મારકોના જતન માટે  કેન્દ્ર તથા રાજ્ય સરકાર જાગૃત બને તો આવનારા વર્ષોમાં આ બંને સ્મારક નવી પેઢીને પુન: નિહાળવા મળે એવી આજના વિશ્વ વારસા દિવસે આશા રાખીએ. 

Panchang

dd