• શનિવાર, 18 એપ્રિલ, 2026

પતિના સમર્પણ, પ્રેમ અને સાથને બિરદાવવાનો અવસર

પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 17 : પત્ની માતૃત્વ પામે એટલે તેને સમાજમાં સર્વોચ્ચ સ્થાન અપાય છે, જે યોગ્ય પણ છે. પરંતુ પતિ તરીકે પરિવારની જવાબદારી નિભાવતા, નિ:શબ્દ રીતે જીવનના સંઘર્ષોમાં સાથ આપતા અનેક પુરુષો એવા હોય છે, જેમની ગણના ઓછી થાય છે. આ માટે દર વર્ષે એપ્રિલ મહિનાના ત્રીજા શનિવારે `પતિ કૃતજ્ઞતા દિવસ' ઊજવવામાં આવે છે, જે પતિના સમર્પણ, પ્રેમ અને સાથને બિરદાવવાનો અને આભાર માનવાનો શ્રેષ્ઠ અવસર છે. જીવનસાથી માટે નિષ્ઠા અને સમર્પણ દર્શાવનારા પતિઓ ખરેખર સમાજના મૌન નાયક છે. આજે અમે બે હૃદયસ્પર્શી કિસ્સાઓ દ્વારા દરેક `રીયલ હીરો' પતિને સલામ કરીએ છીએ.  આ બંને કિસ્સા ભુજના જાણીતા સમાજસેવક મિતેશ હીરાલાલભાઈ શાહ દ્વારા પ્રાપ્ત થયેલા છે. તેઓ એવા પડદા પાછળના હીરો છે, જે કોઈ પ્રસિદ્ધિ કે અપેક્ષા વગર સમાજસેવામાં જોડાયેલા છે. - શ્વાસના સંઘર્ષમાં પતિનો અડગ સહારો  : આ કપલ સમૂહલગ્નમાં એકમેકના જીવનસાથી બન્યા છે. આજે તેઓ જીવનના એવા પડાવ પર છે જેમાં હર્ષાબેનને દરેક શ્વાસ માટે સંઘર્ષ કરવો પડે છે. ઝવેરીલાલ પહેલા રીક્ષા ચલાવતા, પરંતુ તબિયત બગડતા અને વધતી ઉંમર સાથે મહેનત કરવી મુશ્કેલ બની ગઈ. પાંચેક વર્ષ પહેલાની વાત છે, પત્નીની તબિયત અચાનક ખરાબ થતાં હોસ્પિટલ લઈ જવાયા. ડોક્ટરે રિપોર્ટ કરાવ્યા પછી જણાવ્યું કે ફેફસા ખૂબ નબળા પડી ગયા છે. શ્વાસ લેવામાં પડતી મુશ્કેલી હવે સાથે ચાલશે. સિનિયર સિટીઝન હર્ષાબેન માટે ડોક્ટરોને કૃત્રિમ રીતે ઓક્સિજન પૂરું પાડવાનું વધુ યોગ્ય લાગ્યું. શરીર થાક અને મહેનત ખમી ન શકે ત્યારે બેનને હોસ્પિટલમાં દાખલ થવું પડે, દવાઓનો વધતો ખર્ચ અને ઘરનું ગુજરાન - આ બધું એકસાથે સંભાળવું સરળ નહોતું. પતિએ રીક્ષા ચલાવવાનું છોડી સિક્યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી, જેથી નિયમિત આવક મળી રહે. હર્ષાબેન માટે તો ઘરકામ પણ મુશ્કેલ છે. બપોરનું ભોજન ટિફિનથી આવે અને સાંજની રસોઈ તેમના પતિ ખુદ બનાવે છે. શાંત સ્વભાવ અને કરૂણાભાવથી તેઓ પોતાની પત્નીની સેવા કરે છે - કોઈ ફરિયાદ વિના. `મારા પૂર્વ જન્મના સારા કર્મ હશે કે મને આવા પતિ મળ્યા' કહીને આજના દિવસે હર્ષાબેન તેમને વંદન કરતા દિલથી આભાર માને છે. - મારા બેક બોન, મારા પતિ : મનિષાબેન રસિકભાઈ વાઘેલાનો એક સામાન્ય પરંતુ ખુશહાલ પરિવાર. પતિની લેડીઝ ટેલારિંગની દુકાન, એક પુત્ર અને એક પુત્રી સાથે સંયુક્ત જીવન. બે-એક વર્ષ પહેલાં અચાનક મનિષાબેનની તબિયત લથડવા લાગી. સતત થાક, કમજોરી અને અસ્વસ્થતા વધી ગઈ એટલે હોસ્પિટલમાં તપાસ કરાવી તો ખબર પડી કે શરીરમાં નવું લોહી બનતું નથી. હાડકાના મજ્જા (બોનમેરો) કાર્ય કરતા નથી. ડોક્ટરો તરફથી ઇલાજ હતો; બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. લાખો રૂપિયાનો ખર્ચ, યોગ્ય ડોનર શોધવાનો પ્રશ્ન અને લાંબી સારવારની પ્રક્રિયા. નસીબે દાતાઓનો સહયોગ અપાવ્યો, કૌમિલ પટેલ જેવા મદદગાર ડોક્ટર મળ્યા અને સૌથી મહત્ત્વનું તે પતિનો અડીખમ સહારો. ધંધો બાજુએ મૂકીને, પત્નીની સારવાર અને બાળકોની જવાબદારી સુપેરે નિભાવી.  આજે મનિષાબેન સ્વસ્થ થયા પછી આખી વાત માંડી ત્યારે વાતે વાતે પતિ પ્રત્યે અહોભાવ રજૂ કરતા પોતાના જીવનના સાચા હીરો ગણાવે છે અને બોલ્યા, મારી બાળક જેવી સેવા કરી, તેમનો ઉપકાર હું ક્યારેય ભૂલી શકું તેમ નથી.  

Panchang

dd