અંજાર/રતનાલ, તા. 17 : કચ્છ આહીર
સમાજના વડીલ આગેવાન અને ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ઉપપ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઈ
કરશનભાઈ આહીર (જીવાભાઈ શેઠ)નું આકસ્મિક અવસાન થતાં સમગ્ર કચ્છમાં ઘેરા શોકની લાગણી
વ્યાપી હતી. કચ્છ ભાજપે એક પીઢ આગેવાન અને કચ્છ આહીર સમાજે રાહબર વડીલ માર્ગદર્શક ગુમાવ્યાની
લાગણી વ્યક્ત કરાઈ હતી. રતનાલ ગામે મંદિરે
દર્શન કરવા જતા જીવાભાઈએ ટ્રેનની હડફેટે પોતાનો જીવ ખોયો હતો. રતનાલ ગામના મોરીવાસ
વિસ્તારમાં રહેનાર 74 વર્ષીય જીવાભાઈ
આહીરે આજે વહેલી પરોઢે પોતાનો જીવ ખોયો હતો. તેઓ દરરોજ વહેલી પરોઢે પોતાના ઘરેથી સચ્ચિદાનંદ
મંદિરે દર્શન કરવા જતા હતા. દરરોજ પાટા ઓળંગીને જતા આ સદ્ગતને આજે કાળ આંબી ગયો હતો.
સામાજિક અગ્રણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા જીવાભાઈ શેઠ આજે સવારે ઊઠીને
મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. તેઓ પાટા પાસે પહોંચ્યા હતા, ત્યારે ભુજ બાજુથી ધસમસતી આવતી નમો ભારત ટ્રેનની
ટક્કર લાગતાં માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં ત્યાં દોડી
આવેલા લોકો તેમને સારવાર અર્થે લઈ જઈ રહ્યા હતા. દરમ્યાન તેમણે રસ્તામાં છેલ્લા શ્વાસ
લીધા હતા. કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પાયાના પથ્થર તેમજ રતનાલમાં ટ્રક ટ્રાન્સપોર્ટ
વ્યવસાયના અગ્રહરોળના આ અગ્રણી નાના ટ્રક માલિકોને વ્યવસાયક્ષેત્રે આગળ વધવા માટે હંમેશાં માર્ગદર્શન આપતા હતા. વર્ષો અગાઉ અંજારના
ગંગાનાકા ખાતે રાધેકૃષ્ણ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં
હરહંમેશ ટ્રકમાલિકોની સમસ્યાઓને વાચા આપતા હતા. - જીવાભાઇની જીવન ઝરમર : 1995માં અંજાર તાલુકા પંચાયતના
રતનાલ સીટ પરથી ચૂંટાઈને અંજાર તાલુકાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ
રતનાલ જિલ્લા પંચાયત બેઠક પરથી વર્ષ 2000માં ચૂંટાઈને જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે
કામગીરી કરી હતી. વર્ષ 2005માં કચ્છ
જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે પાંચ વર્ષ કાર્યભાર સંભાળ્યો હતો. પ્રમુખ તરીકે કાર્યકાળમાં
ઉત્તમ લોકપ્રતિનિધિ તરીકે પારદર્શક અને સ્વચ્છ વહીવટી કામગીરી કરી હતી. કચ્છ આહીર મંડળમાં
વર્ષોથી સક્રિય આગેવાન હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છ પ્રવાસમાં પોતાના સંબોધનમાં જીવાભાઈ કચ્છ જિલ્લા ભાજપના જૂના જનસંઘી
અને પાયાના પથ્થર ગણાવતા હતા. - અંતિમયાત્રામાં
આગેવાનો જોડાયા : રતનાલ સચ્ચિદાનંદ મંદિર મહંત ભગવાનદાસજી
મહારાજ, સચ્ચિદાનંદ સંપ્રદાયના ગાદીપતિ ત્રિકમદાસજી
મહારાજ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા,
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે,
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજના
ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા,
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ
આહીર, કચ્છ આહીર મંડળના પ્રમુખ તેજાભાઇ કાનગડ, આહીર સમાજના અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઇ હુંબલ, પૂર્વ સાંસદ
પુષ્પદાનભાઇ ગઢવી, મશરૂભાઈ રબારી, બી.એન.
આહીર, શંભુભાઈ આહીર, હિતેન વ્યાસ,
અંજાર શહેર ભાજપ ટીમ, સામજી આશા ડાંગર,
ગોપાલ માતા, મહાદેવ માતા, માદેવા બરાડિયા, અરુણભાઈ સોની સહિતના કચ્છના વિવિધ સામાજિક-રાજકીય
આગેવાનો તેમની સ્મશાનયાત્રામાં જોડાયા હતા. - ચક્ષુદાન કર્યું : રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાથી સ્વ. જીવાશેઠના પુત્ર
કાનજીભાઈ તથા સમગ્ર પરિવારજનોએ તાત્કાલિક ચક્ષુદાન
અંગે સહમતી દર્શાવી હતી. આ ઉમદા કાર્યને પગલે સદગત જીવાશેઠના ચક્ષુઓનું દાન કરાવવાની
પ્રક્રિયા રોટરી ક્લબ અંજાર વતી રાજાભાઈ દક્ષિણી તથા ડેની શાહ દ્વારા હાથ ધરાઈ હતી.
દાન મળેલાં ચક્ષુઓને તાત્કાલિક ભુજ જી.કે.
જનરલ હોસ્પિટલમાં જરૂરિયામંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે મોકલી અપાયા હતા. આ પુણ્યકાર્યમાં અંજાર ડો. દીપક ઝાલાનીએ ટેકનિકલ સહયોગ આપ્યો હતો.