ભુજ, તા. 16 : સેવા પ્રદર્શનનો નહીં ભાવનાનો
વિષય છે. પરમેશ્વર સાથે જોડાયેલા રહેવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ કે પતનથી બચી જવાશે.
વળી સત્સંગ કરવાથી જીવનની નિરાશાઓ પણ દૂર થઇ જશે,
તેવી વાત સાથે હરિદ્વાર સાલાસર
હનુમાનધામ ખાતે વિશ્વ શાંતિ અને શિક્ષણ કાર્યમાં યોગદાન અર્થે કચ્છી કથાકાર નિરંજન
વ્યાસના વક્તાપદે નવ દિવસીય રામકથા અને મારુતિ યજ્ઞ મહોત્સવને વિરામ અપાયો હતો. મુંબઇના
કચ્છી રાજગોર સમાજના દાતા હસ્તાબેન રજનીકાંત રામજી મોતા અને આશાબેન હસમુખલાલ મેઘજી
મોતાના મુખ્ય યજમાન અને સહ યજમાન પદે આયોજિત રામકથામાં સીતા સ્વયંવર સહિતના પ્રસંગો
ધામધૂમથી ઊજવાયા હતા. કચ્છ અને બૃહદ કચ્છમાંથી સંઘમાં 150થી વધુ રામભક્તો જોડાયા હતા.
યજમાન પરિવાર તરફથી જોડાયેલા તમામ ભાવિકોને શાલ અને મફલરનું વિતરણ કરાયું હતું. આ અવસરે
રૂા. 1,01,111નું દાન મુંબઇ શૈક્ષણિક પ્રવૃત્તિ
કેન્દ્રને અપાયું હતું. ગૌસેવામાં દેવલમા સમિતિને
પણ રોકડ ભેટ અપાઇ હતી. કથા દરમિયાન કચ્છી હાસ્ય કલાકાર પીયૂષ મહારાજે કળાની રજૂઆત કરી
હતી. કથા સમિતિના પ્રમુખ જયંતીલાલ વ્યાસ, સંજય માકાણી સહિતના સભ્યો આયોજનને પાર પાડવા સહયોગી બન્યા હતા. સંચાલન દિનેશ
નાગુએ કર્યું હતું, તેવું કથાના મીડિયા કન્વીનર વસંત અજાણીએ જણાવ્યું
હતું. મુંબઇ શૈક્ષણિક મંડળના પ્રમુખ પ્રફુલ્લ જોશી અને દેવલમા સમિતિના અરવિંદ ગોર કથા
સમિતિનો આભાર માન્યો હતો.